જ્યારે વાત માઉન્ટ એવરેસ્ટની આવે છે, ત્યારે એક નામ વિશ્વના તમામ પર્વતારોહકોના મુખે આદર સાથે લેવાય છે - કામી રીટા શેરપા. જે પહાડ પર ચઢવાનું સપનું જોઈને લોકોની હિંમત હારી જાય છે, તે એવરેસ્ટને કામી રીટાએ પોતાનું બીજું ઘર બનાવી લીધું છે. હવે 55 વર્ષની ઉંમરે, આ 'એવરેસ્ટ મેન' ફરી એકવાર ઈતિહાસના પાનામાં પોતાનું નામ વધુ ઊંડા અક્ષરે લખવા માટે નીકળી પડ્યા છે.


પોતાનો જ રેકોર્ડ તોડવાની તૈયારી

કામી રીટા અત્યાર સુધીમાં અવિશ્વસનીય રીતે 31 વખત એવરેસ્ટના શિખર પર પહોંચી ચૂક્યા છે. આ અઠવાડિયે તેઓ તેમના 32માં ચઢાણ માટે એવરેસ્ટ ક્ષેત્ર તરફ રવાના થયા છે. '14 પીક્સ એક્સપિડિશન' હેઠળ તેઓ એક આંતરરાષ્ટ્રીય પર્વતારોહકોની ટીમના માર્ગદર્શક તરીકે જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, આ પ્રવાસ તેમના જીવનનો અત્યંત ભાવુક પ્રવાસ હોઈ શકે છે, કારણ કે તેમણે આ શિખર સર કર્યા બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.

નિવૃત્તિની જાહેરાત અને ભાવિ આયોજન

મીડિયા સાથે વાત કરતા કામી રીટાએ જણાવ્યું હતું કે, હવે હું 55 વર્ષનો થયો છું. વિશ્વના સૌથી ઊંચા શિખર પર આ કદાચ મારો છેલ્લો પ્રયાસ હશે. વર્ષ 2026 માં આ મિશન પૂર્ણ કર્યા પછી હું એવરેસ્ટ ચઢાણમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિ લઈશ. જોકે, પહાડો પ્રત્યેનો તેમનો પ્રેમ ઓછો નહીં થાય; તેમણે ઉમેર્યું કે તેઓ ટ્રેકિંગ અને અન્ય સાહસિક પ્રવૃત્તિઓ દ્વારા પર્વતારોહણ ક્ષેત્ર સાથે જોડાયેલા રહેશે.

પરિવારની ચિંતા અને અતૂટ આત્મવિશ્વાસ

એવરેસ્ટનું ચઢાણ જોખમોથી ભરેલું હોય છે. કામી રીટાના પરિવારે અને મિત્રોએ વધતી ઉંમર અને જોખમોને ધ્યાનમાં રાખીને તેમને લાંબા સમયથી આ જોખમી ચઢાણ રોકવા વિનંતી કરી હતી. પરંતુ કામી રીટાનો પર્વત પ્રત્યેનો લગાવ તેમને ફરી ખેંચી લાવ્યો. હવે જ્યારે તેઓ 32મી વખત શિખર સર કરવાની તૈયારીમાં છે, ત્યારે અપેક્ષા છે કે મે મહિનાના મધ્યમાં તેઓ એવરેસ્ટની ટોચ પર હશે.

પર્વતારોહણ જગતના અજેય યોદ્ધા

કામી રીટાના નામે માત્ર એવરેસ્ટ જ નહીં, પણ અન્ય અનેક કીર્તિમાન છે.

તેમણે 8,000 મીટરથી વધુ ઊંચા શિખરો કુલ 44 વખત સર કર્યા છે.

તેમાં ચો ઓયુ (8 વખત), મનસ્લુ (5 વખત) અને K2 તેમજ લોત્સે જેવા ખતરનાક શિખરોનો પણ સમાવેશ થાય છે.

છેલ્લા 30 વર્ષોમાં તેમણે જે સાહસ બતાવ્યું છે તે પર્વતારોહણના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. તેમની આ અંતિમ સફર માત્ર એક રેકોર્ડ નથી, પરંતુ હિંમત અને અતૂટ સંકલ્પશક્તિનું પ્રતીક છે.

આ પણ વાંચોઃ Shahbaz Sharif એ વિમાન માંથી નીચે ઉતરવાની પણ રાહ ન જોઇ, હવામાં જ આપી દીધી સલામી,જુઓ વાયરલ Video 

  • Follow us on: