પશ્ચિમ એશિયામાં ઈરાન દ્વારા કરવામાં આવેલા સતત મિસાઈલ અને ડ્રોન હુમલાઓએ સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી દીધું છે. ખાસ કરીને દુબઈ, જે વર્ષોથી વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોમાંનું એક માનવામાં આવતું હતું, ત્યાં છેલ્લા ત્રણ દિવસમાં સ્થિતિ તણાવપૂર્ણ બની છે. શહેરના અનેક ભાગોમાં મિસાઈલોનો કાટમાળ પડવાથી ફાઈવ સ્ટાર હોટલો અને એપાર્ટમેન્ટ્સને નુકસાન થયું છે. એરપોર્ટ પર પણ કર્મચારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અચાનક સર્જાયેલા ભયના વાતાવરણ વચ્ચે, UAE ના નેતાઓએ કંઈક એવું કર્યું જેણે માત્ર પોતાની પ્રજાના જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના દિલ જીતી લીધા.

જનતાનો ભય દૂર કરવા મેદાનમાં ઉતર્યા નેતાઓ

સોમવારે સાંજે જ્યારે દુબઈના આકાશમાં વિસ્ફોટોના અવાજો અને ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા હતા, ત્યારે UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન અને દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ કોઈ પણ ખાસ સુરક્ષા પ્રોટોકોલ વિના અચાનક 'દુબઈ મોલ'માં પહોંચી ગયા હતા. સામાન્ય નાગરિકોની જેમ તેઓ મોલમાં ફરતા, લોકો સાથે હાથ મિલાવતા અને સેલ્ફી પડાવતા જોવા મળ્યા હતા.

https://twitter.com/DXBMediaOffice/status/2028546168813420720

સોશિયલ મીડિયા પર વાયરલ થયો આત્મવિશ્વાસ

આ મુલાકાતના વીડિયો સોશિયલ મીડિયા પર વાવાઝોડાની જેમ વાયરલ થયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રાષ્ટ્રપતિ અને ક્રાઉન પ્રિન્સ તેમના પ્રતિનિધિમંડળ સાથે મોલની એક રેસ્ટોરન્ટમાં આરામથી રાત્રિભોજન અને કોફીની મજા માણી રહ્યા છે. આ દ્રશ્ય એવા સમયે સામે આવ્યું છે જ્યારે આખો પ્રદેશ યુદ્ધની અણી પર છે. યમન ઓનલાઈન અને અન્ય પ્રાદેશિક મીડિયાએ આને "સાચા નેતૃત્વની નિશાની" ગણાવી છે. લોકોએ ટિપ્પણી કરી છે કે, "જ્યારે નેતા પોતે પ્રજાની વચ્ચે સુરક્ષિત અનુભવતા હોય, ત્યારે જનતાનો આત્મવિશ્વાસ આપોઆપ વધી જાય છે."

દુબઈમાં બધું બરાબર છે

આ અસાધારણ પગલા દ્વારા UAE સરકારે વિશ્વને એવો સંદેશ આપ્યો છે કે તેમની સંરક્ષણ પ્રણાલી મજબૂત છે અને દેશ કોઈપણ ખતરાનો સામનો કરવા તૈયાર છે. ભારતીય અને અન્ય વિદેશી નાગરિકો, જેઓ શરૂઆતમાં આ હુમલાઓથી ડરેલા હતા, તેઓએ પણ આ વીડિયો જોઈને રાહતનો શ્વાસ લીધો છે. નેતન્યાહૂ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં જ્યારે મોટા મોટા દેશો સુરક્ષિત બંકરોની વાત કરી રહ્યા છે, ત્યારે દુબઈના નેતાઓ મોલમાં જનતા સાથે કોફી પીને સાબિત કરી રહ્યા છે કે તેમનો દેશ અડીખમ છે.

આ પણ વાંચોઃ US: ઈરાની ધ્વજવાળું ટી-શર્ટ પહેરી હુમલાખોરે કર્યું અંધાધૂધ ફાયરિંગ, ભારતીય મૂળની વિદ્યાર્થીનીનું મોત