વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ફ્રાન્સના જે અત્યંત સુંદર શહેર 'એવિયન' (Evian) ખાતે પહોંચ્યા છે, તે પોતાની પ્રાકૃતિક સુંદરતાની સાથે-સાથે કેટલીક અદભુત ખાસિયતો માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. સ્વિટ્ઝરલેન્ડના જિનેવા જેવું જ અદભુત સૌંદર્ય ધરાવતું એવિયન શહેર આલ્પ્સ પહાડોની તળેટીમાં અને પ્રખ્યાત 'લેક જિનેવા'ના કિનારે વસેલું છે. આ શહેરની સૌથી મોટી ઓળખ અહીં મળતું શુદ્ધ કુદરતી મિનરલ વોટર છે, જેને પહાડોની વચ્ચેથી ગળાઈને તૈયાર થવામાં ૧૫ વર્ષ જેટલો લાંબો સમય લાગે છે અને તે વિશ્વના 140થી વધુ દેશોમાં સપ્લાય થાય છે.
આલ્પ્સની પહાડીઓમાં પાણી 15 વર્ષે બને છે
એવિયનનું પાણી કોઈ ફેક્ટરીમાં કૃત્રિમ રીતે ફિલ્ટર કરવામાં આવતું નથી અને ન તો તેમાં ઉપરથી કોઈ મિનરલ્સ ઉમેરાય છે. આ પાણી ફ્રેન્ચ આલ્પ્સના પહાડો પર પડતા બરફ અને વરસાદનું હોય છે. પહાડોની અંદર આવેલી એક પ્રાચીન ગ્લેશિયરની ખાસ કુદરતી પરતોમાંથી આ પાણી ધીમે-ધીમે ટીપે-ટીપે નીચે રિસાય છે.
આ કુદરતી ફિલ્ટરેશન પ્રક્રિયા દ્વારા નીચે આવેલા 'સોર્સ કશૂ' (Source Cachat) ઝરણા સુધી પહોંચવામાં પાણીને આશરે 15 વર્ષનો સમય લાગે છે. આ લાંબી સફર દરમિયાન પાણી ખડકોમાંથી કેલ્શિયમ, મેગ્નેશિયમ અને બાયકાર્બોનેટ્સ જેવા મહત્વના ખનિજો કુદરતી રીતે શોષી લે છે. આ પાણીનું pH લેવલ 7.2 હોય છે જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ મનાય છે. અહીં એકથી દોઢ લીટર પાણીની બોતલની કિંમત આશરે 500 રૂપિયા સુધીની હોય છે. યુનેસ્કોના નિયમો અનુસાર આ 35 ચોરસ કિમીના પહાડી વિસ્તારને કેમિકલ અને જંતુનાશકોથી મુક્ત રાખવામાં આવ્યો છે.
વિશ્વની સૌથી જૂની કેબલ રેલવે અને ખુશનુમા હવામાન
એવિયન શહેરમાં વર્ષ 1907 માં બનેલી 'ફ્યુનિક્યુલર રેલવે' આવેલી છે, જે દુનિયાની સૌથી જૂની કેબલ રેલવે ટ્રેન ગણાય છે. પ્રવાસીઓ માટે આ ટ્રેન બિલકુલ મફત છે, જે તળાવના કિનારેથી સીધા પહાડો પર બનેલી આલીશાન હોટલો સુધી લઈ જાય છે. આલ્પ્સના પહાડો અને જિનેવા તળાવની વચ્ચે હોવાના કારણે અહીં બારેમાસ હવામાન ખુશનુમા રહે છે.
સુરક્ષા અને વૈભવી સુવિધાઓના કારણે એવિયન મોટા આંતરરાષ્ટ્રીય સંમેલનો માટે પણ ફેવરિટ ડેસ્ટિનેશન છે. અગાઉ વર્ષ 2003 માં પણ અહીં 29મું G8 શિખર સંમેલન યોજાયું હતું. ફ્રેન્ચ આર્કિટેક્ચર, આલીશાન હોટલો, કેસિનો અને ગોલ્ફ કોર્સ આ શહેરને પ્રીમિયમ હોલિડે સ્પોટ બનાવે છે.