આંતરરાષ્ટ્રીય પોલીસ સંગઠન ઇન્ટરપોલે દક્ષિણ અમેરિકામાં સંગઠિત ગુનાખોરીના એક અત્યંત ખતરનાક અને નવા વલણ અંગે 196 સભ્ય દેશોને સાવધ કર્યા છે. ઇન્ટરપોલના 'ઓપરેશન ચેઝ' માં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે ગુનેગારો હવે પરંપરાગત બોમ્બને બદલે રોજિંદા વપરાશના ઔદ્યોગિક રસાયણો અને ડીઝલ ઇંધણનો ઉપયોગ કરીને ગુપ્ત વિસ્ફોટકો તૈયાર કરી રહ્યા છે.

ઓપરેશન ચેઝ: સરહદો પર સઘન તપાસ

નવેમ્બર 2025 માં કોલંબિયા, ઇક્વાડોર અને પેરુની પોલીસ તેમજ કસ્ટમ એજન્સીઓએ સંયુક્ત રીતે ૧૨ દિવસ સુધી આ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન બંદરો અને સરહદો પર ૫૦,૦૦૦ થી વધુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા. તપાસમાં જાણવા મળ્યું કે ગુનેગારો પકડાઈ જવાની બીકે હવે સામાન્ય મુસાફરોની જેમ પબ્લિક બસોના કાર્ગો ડબ્બામાં વિસ્ફોટક ડિટોનેટરો છુપાવીને હેરફેર કરી રહ્યા છે.

ડીઝલ અને કૃષિ સાધનોનો દુરુપયોગ

ઇક્વાડોર-પેરુ સરહદ પર હુઆક્વિલાસ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જાણવા મળ્યું કે ગુનાહિત ગેંગોએ ખેતીના વાહનોને તેલના ટેન્કરમાં ફેરવી નાખ્યા હતા. આ ટેન્કરોનો ઉપયોગ માત્ર ઇંધણની દાણચોરી માટે જ નહીં, પરંતુ એવા રાસાયણિક મિશ્રણો બનાવવા માટે થતો હતો જેનો ઉપયોગ વિસ્ફોટક તરીકે થઈ શકે. ઇન્ટરપોલે આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને 'ઓરેન્જ નોટિસ' જારી કરી છે, જે સીધો જ જાનમાલના જોખમનો નિર્દેશ કરે છે.

મોટી ધરપકડ અને આંતરરાષ્ટ્રીય કનેક્શન

આ ઓપરેશનમાં ત્રણ મુખ્ય ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક પેરુવિયન નાગરિકનો સમાવેશ થાય છે જેની સામે અગાઉ ઇન્ટરપોલે 'રેડ નોટિસ' જાહેર કરી હતી. આ શખ્સ આર્જેન્ટિનામાં પકડાયો છે અને તે એક મોટા ક્રાઈમ સિન્ડિકેટ સાથે જોડાયેલો છે. તેના પર ગેરકાયદે હથિયારોની હેરફેર, ખંડણી અને વિસ્ફોટકો દ્વારા ટાર્ગેટેડ હુમલા કરવાના ગંભીર આરોપો છે.