ભારતના ઉત્તરાખંડ રાજ્યના પિથોરાગઢ જિલ્લાને અડીને આવેલા નેપાળના બૈતડી જિલ્લામાં ગુરુવારે રાત્રે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી ખીચોખીચ ભરેલી એક બસ પહાડી માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ડ્રાઈવરે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે બસ અંદાજે 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી.
અકસ્માતમાં 13 લોકોના મોત
આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. અંધારું હોવાને કારણે બચાવ કામગીરીમાં શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ નડી હતી, છતાં સ્થાનિક પોલીસ અને રાહત ટુકડીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ખીણમાંથી લોકોને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં અન્ય 34 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.













