પાકિસ્તાનમાં શુક્રવારે સવારે એક અત્યંત દુઃખદ માર્ગ અકસ્માત સામે આવ્યો છે. ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનની સરહદ નજીક આવેલા દાના સર વિસ્તારમાં એક ઝડપી પેસેન્જર બસ બેકાબૂ બનીને ઊંડી ખીણમાં ખાબકતા ઓછામાં ઓછા 40 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનામાં અન્ય 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
બસ ખૂબ જ સ્પીડમાં હતી
બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે વિગતો આપતા જણાવ્યું હતું કે, અકસ્માત સર્જાયો ત્યારે બસ હાઈવે પર ખૂબ જ ઝડપે જઈ રહી હતી. ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવતા બસ સીધી પથ્થરોથી ભરેલી ઊંડી ખીણમાં ખાબકી હતી. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું મુખ્ય કારણ 'ઓવરલોડિંગ' હોવાનું સ્પષ્ટ થયું છે. હકીકતમાં, બસ પહેલેથી જ ક્ષમતા કરતા વધુ મુસાફરોથી ભરેલી હતી, અને રસ્તામાં બગડેલી બીજી બસના મુસાફરોને પણ તેમાં બેસાડવામાં આવ્યા હતા. ક્ષમતા કરતા વધુ વજન અને અતિશય ઝડપ આ અકસ્માત માટે જવાબદાર હોવાનું જણાય છે.
રાહત અને બચાવ કામગીરી કરાઇ
ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી છે અને સંબંધિત અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા તાકીદ કરી છે. આ ઉપરાંત, બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરીને વહીવટીતંત્રને રાહત કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે.
માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો
પાકિસ્તાનમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં ખરાબ રસ્તાઓ, ટ્રાફિક નિયમોના સરેઆમ ઉલ્લંઘન અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાને કારણે આવી દુર્ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. આ ઘટનાએ ફરી એકવાર પરિવહન સુરક્ષા અને નિયમોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. માત્ર મે મહિનાની શરૂઆતમાં જ ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનમાં એક મિની બસ અકસ્માતમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હાલમાં, વહીવટીતંત્ર દ્વારા મૃતકોની ઓળખ કરવાની અને ઘાયલોને યોગ્ય સારવાર મળે તે જોવાની પ્રક્રિયા ચાલુ છે.
આ પણ વાંચોઃ UP ના કૌશાંબી ટોલ પ્લાઝા પર LPG ટેન્કરમાં ભીષણ વિસ્ફોટ, 4 લોકો જીવતા ભડથું,જુઓ VIDEO