અમેરિકાના ફ્લોરિડા રાજ્યના તલાહસી શહેરમાંથી ગોળીબારની એક અત્યંત ચોંકાવનારી અને ભયાનક ઘટના સામે આવી છે. શનિવારે મોડી રાત્રે એક પ્રખ્યાત ફૂટબોલ સ્ટેડિયમ નજીક અજાણ્યા હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં 6 સગીરો સહિત કુલ 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હિંસક ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને સન્નાટો છવાઈ ગયો હતો. સ્થાનિક પોલીસ અને યુનિવર્સિટી સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ફ્લોરિડા એ એન્ડ એમ યુનિવર્સિટી (FAMU) ના બ્રેગ મેમોરિયલ સ્ટેડિયમની બહાર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન બન્યો હતો.

6 સગીરો સહિત 12 લોકો ઈજાગ્રસ્ત, 3 ની હાલત ગંભીર

તલાહસી પોલીસ વિભાગ (TPD) દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર અહેવાલ મુજબ, આ ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયેલા 12 લોકોમાંથી 11 લોકોને સીધી ગોળીઓ વાગી હતી. પીડિતોમાં 6 પુખ્ત વયના નાગરિકો અને 6 સગીર વયના બાળકો/કિશોરોનો સમાવેશ થાય છે. તબીબી અધિકારીઓના જણાવ્યા મુજબ, ગોળીબારનો ભોગ બનેલા લોકોમાંથી ઓછામાં ઓછા ત્રણ લોકોની હાલત અત્યંત ગંભીર અને નાજુક છે, જ્યારે બાકીના નવ ઘાયલોની સ્થિતિ હાલમાં સ્થિર બતાવવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ઈમરજન્સી મેડિકલ સેવાઓ અને બચાવ દળની ટુકડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને ત્વરિત ધોરણે નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
https://x.com/FistPunch/status/2114223757921325135?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2114223757921325135%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત અને તપાસ તેજ

ફાયરિંગની ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર સ્ટેડિયમ પરિસર અને આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો છે. પોલીસ દ્વારા વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હુમલાખોરો કોણ હતા અને ગોળીબાર પાછળનો મુખ્ય હેતુ શું હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. યુનિવર્સિટી પ્રશાસને પણ વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓની સુરક્ષા વધારવા માટે જરૂરી પગલાં લીધા છે. અમેરિકામાં સગીરો અને જાહેર સ્થળો પર સતત વધી રહેલી ગન વાયોલન્સની ઘટનાઓએ ફરી એકવાર નાગરિકોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચોઃ Brazil: સાઓ પાઉલોમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેન ક્રેન સાથે અથડાઈ, Video વાયરલ