દુબઈથી ઈઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ એફઝેડ1073માં અચાનક 7500 ઈમરજન્સી કોડ સક્રિય થતાં ખળભળાટ મચી ગયો હતો. આ કોડ સામાન્ય રીતે વિમાનમાં હાઈજેક અથવા અન્ય ગેરકાયદેસર હસ્તક્ષેપની સ્થિતિ દર્શાવે છે. ઘટના બાદ ઈઝરાયલે સુરક્ષા વ્યવસ્થા સક્રિય કરીને લડાકુ વિમાનોને રવાના કર્યા હતા.

180 મુસાફરો સવાર હતા

ફ્લાઈટમાં આશરે 180 મુસાફરો સવાર હોવાનું જણાવાયું છે, જેમાં 100થી વધુ ઈઝરાયલી નાગરિકો હોવાની માહિતી સામે આવી છે. ઉડાન દરમિયાન 7500 કોડ સક્રિય થતાં ઈઝરાયલી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી.

પહેલા પાઈલટો વચ્ચે ઝપાઝપીની વાત સામે આવી

ઘટનાના પ્રારંભિક અહેવાલોમાં કોકપિટમાં પાઈલટો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હોવાની વાત સામે આવી હતી. આ દરમિયાન ઈમરજન્સી કોડ સક્રિય થયો હોવાનું જણાવાયું હતું અને ત્યારબાદ વિમાનને વૈકલ્પિક એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું હતું.

હવે હાઈજેકની આશંકાથી તપાસ તેજ

બાદની તપાસમાં ઈઝરાયલી અધિકારીઓએ ઘટનાને વધુ ગંભીર ગણાવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. અધિકારીઓને આશંકા છે કે કો-પાઈલટે વિમાનનું નિયંત્રણ પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હોઈ શકે છે. જોકે તેનો ચોક્કસ હેતુ શું હતો તે હજુ સ્પષ્ટ થયું નથી.

ઓમાનના પાઈલટ પર શંકા, ઓળખ સત્તાવાર નથી

પ્રારંભિક તપાસ અંગેના અહેવાલોમાં શંકાસ્પદ પાઈલટ ઓમાનનો નાગરિક હોવાની વાત સામે આવી છે. જોકે તેની સત્તાવાર ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી. તપાસ એજન્સીઓ પાઈલટની ઓળખ, ઘટનાક્રમ અને સંભવિત હેતુ અંગે તપાસ કરી રહી છે.

મુસાફરોમાં રહેલા અન્ય પાઈલટોએ મદદ કરી હોવાનો દાવો

એક અહેવાલ મુજબ સામાન્ય મુસાફરો તરીકે વિમાનમાં મુસાફરી કરી રહેલા પાઈલટોની બીજી ટીમે પણ સ્થિતિ સંભાળવામાં મદદ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે આ માહિતીની સ્વતંત્ર પુષ્ટિ હજુ થઈ નથી.

તબુક એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ

ઘટના બાદ ફ્લાઈટને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવી હતી. ફ્લાયદુબઈએ જણાવ્યું કે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે.

ઈઝરાયલી મુસાફરોને પરત લાવવાની તૈયારી

તબુકમાં ઈઝરાયલી મુસાફરો અટવાઈ ગયા હોવાનું જણાવાયું છે. ઈઝરાયલ અને સાઉદી અરેબિયા વચ્ચે ઔપચારિક રાજદ્વારી સંબંધો ન હોવાથી મુસાફરોને પરત લાવવા માટે અધિકારીઓ સમન્વય કરી રહ્યા છે. સમગ્ર ઘટનાની તપાસ હજુ ચાલુ છે અને હાઈજેકનો પ્રયાસ હતો કે અન્ય કોઈ કારણસર 7500 કોડ સક્રિય થયો હતો તે અંગે અંતિમ સ્પષ્ટતા તપાસ બાદ જ થઈ શકશે. 


આ પણ વાંચો  :   Kanpur: Instagramની દોસ્તી પ્રેમમાં બદલાઈ, 3 બાળકોની માતા 25 વર્ષની યુવતી સાથે રહેવા ઘર છોડીને ભાગી