દુબઈથી ઇઝરાયલની રાજધાની તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં બનેલી ઘટનાએ વૈશ્વિક સ્તરે સુરક્ષાની ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. કોકપીટમાં બે પાઇલટ્સ વચ્ચે થયેલા ઘાતક સંઘર્ષ અને વિમાન પર કાબૂ મેળવવાનો પ્રયાસ જોઈને આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી. જો ઓમાની કો-પાઇલટ પોતાના આ ખતરનાક કાવતરામાં સફળ થયો હોત, તો તેના પરિણામો અત્યંત ભયાનક આવી શક્યા હોત. જોકે, ભારતીય પાઇલટ સ્મિત માછર અને કેટલાક સતર્ક મુસાફરોની અદભુત બહાદુરીના કારણે આ મોટો ભોગ અટકી ગયો હતો.

મોટી અને ચોંકાવનારી બેદરકારી સામે આવી

આ ઘટના બાદ હવે ચાલી રહેલી તપાસમાં ઇઝરાયલ તરફથી એક મોટી અને ચોંકાવનારી બેદરકારી બહાર આવી છે. અહેવાલો અનુસાર, દુશ્મન દેશોના પાઇલટ્સ પર તેલ અવીવ ઉડાન ભરવા પર સખત પ્રતિબંધ હોવા છતાં, ડઝનબંધ ઓમાની પાઇલટ્સ છેલ્લા કેટલાક સમયથી તેલ અવીવ જઈ રહ્યા હતા. 2020ના અબ્રાહમ કરાર હેઠળ, જે દેશોના ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો નથી તેવા દેશોના પાઇલટ્સ ઇઝરાયલ ઉડાન ભરી શકતા નથી. ઓમાનના ઇઝરાયલ સાથે સારા સંબંધો ન હોવા છતાં, ઇઝરાયલી સુરક્ષા એજન્સીઓએ આ નિયમનો અમલ કરાવવામાં ભારે બેદરકારી દાખવી હતી.

ધડાધડ તેલ અવીવ પહોંચી રહી છે ફ્લાઇટ

મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, ઇઝરાયલે તાજેતરના વર્ષોમાં ઓમાની પાઇલટ્સ પરના પ્રતિબંધનું નિરીક્ષણ કરવાનું છોડી દીધું હતું અને તે લાગુ કરવા માટે સંપૂર્ણપણે વિદેશી એરલાઇન્સ પર ભરોસો મૂક્યો હતો. શિન બેટ સુરક્ષા સેવાએ ક્યારેય ફ્લાયદુબઈના પાઇલટ્સની પૃષ્ઠભૂમિ (બેકગ્રાઉન્ડ) તપાસી ન હતી. ઉદ્યોગના નિષ્ણાતોનું માનવું છે કે સુરક્ષા એજન્સીઓ પાસે વિગતવાર માહિતી મેળવવાના પૂરતા સાધનો હતા, છતાં આંખ આડા કાન કરવામાં આવ્યા. હવે આ ગંભીર ઘટના પછી ઇઝરાયલ સરકાર દ્વારા આવા તમામ પ્રતિબંધોનો કડક અમલ કરવા અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ PM Modi નો એક ખાસ વિચાર અને રોકાઇ શકે છે યુક્રેન રશિયા યુદ્ધ, પુતિનના નિવેદનથી ચર્ચા તેજ