ફ્રાન્સ અને બ્રિટને અમેરિકાને ન બોલાવ્યા
ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન યુદ્ધના કારણે તેહરાન (ઈરાન) દ્વારા સંપૂર્ણપણે બ્લોક કરવામાં આવેલી 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'ને ખુલવાવા માટે ફ્રાન્સ અને બ્રિટને આંતરરાષ્ટ્રીય શિખર સંમેલન બોલાવ્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર શુક્રવારે ડઝનબંધ દેશો સાથે બેઠક કરી રહ્યા છે, પરંતુ અમેરિકાને આમાં સામેલ કરવામાં આવ્યું નથી, જેથી હોર્મુઝ જળમાર્ગને ફરીથી ખોલવાની યોજનાને આગળ વધારી શકાય.
હોર્મુઝ કેમ દુનિયા માટે મહત્વનું છે?
આ મહત્વપૂર્ણ તેલ માર્ગ અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધના કારણે બંધ થઈ ગયો છે. પેરિસમાં થઈ રહેલી આ બેઠક એ દેશોના પ્રયાસોનો ભાગ છે, જેઓ આ સંઘર્ષમાં સામેલ નથી અને ન તો તેને શરૂ કર્યો હતો. હોર્મુઝની નાકાબંધીએ વૈશ્વિક અર્થવ્યવસ્થાને ખરાબ રીતે પ્રભાવિત કરી છે. ૨૮ ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા પછી ઈરાને આ સાંકડા જળમાર્ગને અસરકારક રીતે બંધ કરી દીધો છે. આ રસ્તેથી દુનિયાના કુલ તેલના પાંચમા ભાગનો પુરવઠો સપ્લાય થતો હતો. હોર્મુઝ જળમાર્ગ દરિયાઈ નૌકાનયન સ્વતંત્રતા પહેલ યોજનાની તૈયારીમાં અમેરિકા સામેલ નથી.
જહાજોની અવરજવર સુરક્ષિત બનાવવાની પહેલ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને સંમેલન પહેલા લખ્યું કે હોર્મુઝમાં જહાજોની સુરક્ષા માટેનું મિશન “કડક રીતે રક્ષણાત્મક” હશે. તે ફક્ત બિન-યુદ્ધખોર દેશો દ્વારા સંચાલિત કરવામાં આવશે. સ્ટાર્મરે ઈરાન પર આરોપ લગાવ્યો છે કે તે “દુનિયાની અર્થવ્યવસ્થાને બાનમાં” રાખી રહ્યું છે. ટ્રમ્પ દ્વારા ઈરાની બંદરો પર વળતી નાકાબંધીની જાહેરાતથી આર્થિક જોખમ વધુ વધી ગયું છે.
સ્ટાર્મરે શું આહવાન કર્યું?
બ્રિટિશ પીએમ સ્ટાર્મરે કહ્યું, “જળમાર્ગને બિનશરતી અને તરત જ ફરીથી ખોલવો એ વૈશ્વિક જવાબદારી છે.” ફ્રાન્સ અને બ્રિટને સૈન્ય આયોજનની બેઠકો પણ કરી છે. ફ્રાન્સના લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું કે મિશન હજુ “નિર્માણાધીન” છે. કાયમી યુદ્ધવિરામ પછી સુરક્ષાની સ્થિતિના આધારે જહાજોના પસાર થવાના વિકલ્પો નક્કી કરવામાં આવશે, જેમાં માઈન ક્લિયરિંગ (દરિયાઈ સુરંગો હટાવવી) અને સૈન્ય એસ્કોર્ટ જેવી સુવિધાઓની જરૂર પડી શકે છે.










