છેલ્લા બે અઠવાડિયાથી ફ્રાન્સ સતત હિંસક વિરોધ પ્રદર્શનો અને અશાંતિનો સામનો કરી રહ્યું છે. જે આંદોલન શરુઆતમાં પેરિસની શાળાઓમાં શિક્ષકોની અછત અને નબળી પરિસ્થિતિઓને લઈને વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, તે હવે પગાર વધારા, પેન્શન સુધારા અને આર્થિક અસમાનતા જેવા મુદ્દાઓને આવરી લેતું રાષ્ટ્રવ્યાપી આંદોલન બની ગયું છે. રાજધાની પેરિસ સહિત દેશના વિવિધ શહેરોમાં લાખો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે, જ્યાં આગચંપી, લૂંટફાટ અને પોલીસ સાથે હિંસક અથડામણો જોવા મળી રહી છે.

સુરક્ષા દળો તૈનાત અને ટીયર ગેસનો ઉપયોગ

પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ફ્રાન્સ સરકારે દેશભરમાં 70,000 થી વધુ સુરક્ષા કર્મચારીઓને તૈનાત કર્યા છે. આકાશમાંથી હેલિકોપ્ટર અને રસ્તાઓ પર સશસ્ત્ર વાહનો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. શનિવારે પેરિસ, લિયોન, ક્લેર્મોન્ટ-ફેરેન્ડ અને સ્ટ્રાસબર્ગ જેવા શહેરોમાં ભીડને વિખેરવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા, જ્યારે નાઇસ અને નેન્ટેસમાં આક્રમક બનેલા વિરોધીઓ પર વોટર કેનન (પાણીના તોપ)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

https://x.com/nabilajamal_/status/2114272847501881803?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2114272847501881803%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

વિદ્યાર્થીઓની 10 મુખ્ય માંગણીઓ

વિદ્યાર્થી નેતા રિયાદ રાનીએ સ્પષ્ટ કર્યું છે કે આંદોલનકારીઓ તેમની10 મુખ્ય માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી પીછેહઠ નહીં કરે. તેમની મુખ્ય માંગણીઓમાં 'પાર્કર્સઅપ' સિસ્ટમ રદ કરવી, યુનિવર્સિટીઓમાં સીટો વધારવી, કાયમી ધોરણે શિક્ષકોની મોટા પાયે ભરતી કરવી અને શાળાના મકાનોના નવીનીકરણ માટે રાષ્ટ્રીય યોજના ઘડવાનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી નેતાઓએ જણાવ્યું કે સરકાર દ્વારા માત્ર મોટા ભાષણો અને વાયદા કરવાનો સમય પૂરો થઈ ગયો છે, હવે તેમને નક્કર પગલાં અને તાત્કાલિક અમલીકરણ જોઈએ છે.

રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની શાંતિની અપીલ

દેશમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને નાગરિકોને શાંતિ જાળવવા અને વિરોધ પ્રદર્શનો સમાપ્ત કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિવિધ કારણોસર સામાજિક તણાવ વધ્યો છે, પરંતુ લોકોને વિભાજનકારી તત્વોથી ગેરમાર્ગે ન દોરાવવું જોઈએ. મેક્રોને ઉમેર્યું કે ફ્રેંચ પ્રજાસત્તાક એકતા અને સંવાદિતાના પાયા પર ટકેલું છે, તેથી એક પક્ષને બીજા પક્ષ સામે ઊભા કરવાનો પ્રયાસ સફળ ન થવો જોઈએ. આમ છતાં, રાષ્ટ્રપતિની આ અપીલ અત્યાર સુધી બિનઅસરકારક રહી છે અને વિરોધીઓ પોતાની માંગણીઓ પર મક્કમ રહીને આંદોલન ચાલુ રાખવા કટિબદ્ધ છે.

આ પણ વાંચોઃ Weather Update: ચક્રવાત 'અર્નબ'નું સંકટ, 15 રાજ્યોમાં અતિભારે વરસાદનું એલર્ટ, ઓડિશામાં શાળા કોલેજો બંધ