ફ્રાન્સે બાળકોને સોશિયલ મીડિયાની વધતી નકારાત્મક અસરોથી બચાવવા માટે એક મોટું અને કડક પગલું ભર્યું છે. દેશની સરકાર 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર લગભગ સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની તૈયારીમાં છે, જે 2026ના નવા શૈક્ષણિક વર્ષથી અમલમાં મૂકવાનો ઇરાદો છે.
સંસદમાં એક મહત્વપૂર્ણ બિલ પસાર કર્યું
France સરકારે જાન્યુઆરી 2026માં સંસદમાં એક મહત્વપૂર્ણ બિલ પસાર કર્યું છે, જેમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈપણ મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ બનાવવા કે તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ પ્રતિબંધ માત્ર એક કે બે એપ્સ સુધી સીમિત નથી, પરંતુ તેમાં Instagram, Facebook,TikTok અને Snapchat જવા તમામ મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. કાયદાની અંતિમ ઔપચારિક પ્રક્રિયા હજુ ચાલી રહી છે, પરંતુ સરકારનું લક્ષ્ય છે કે 1 સપ્ટેમ્બર 2026થી, જ્યારે નવું શાળા સત્ર શરૂ થાય, ત્યારે આ નિયમ સંપૂર્ણ રીતે લાગુ થઈ જાય.
નિર્ણય પાછળનું મુખ્ય કારણ
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ બાળકોના માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. ફ્રાન્સની જાહેર આરોગ્ય એજન્સી અને અનેક સ્વતંત્ર સંશોધનોમાં ખુલાસો થયો છે કે સોશિયલ મીડિયા કિશોરોના મન પર ઊંડી અને નકારાત્મક અસર કરી રહ્યું છે. સતત સ્ક્રીન સામે રહેવું, લાઇક્સ અને ફોલોઅર્સની સરખામણી, બોડી ઇમેજ, સાયબર બુલિંગ અને ઉશ્કેરણીજનક સામગ્રીના સંપર્કના કારણે ઘણા બાળકો ચિંતા, હતાશા અને આત્મસન્માનમાં ઘટાડાનો સામનો કરી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં તો પરિવારો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે આત્મહત્યાના કેસોને લઈને કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી છે.
દરરોજ બે થી પાંચ કલાક સ્માર્ટફોન પર વિતાવે
ફ્રાન્સમાં થયેલા સર્વે દર્શાવે છે કે મોટાભાગના કિશોરો દરરોજ બે થી પાંચ કલાક સ્માર્ટફોન પર વિતાવે છે અને તેમાંનો મોટો સમય સોશિયલ મીડિયા પર જાય છે. સરકારનું માનવું છે કે આ કારણે બાળકો પૂરતી ઊંઘ લઈ શકતા નથી, અભ્યાસમાં ધ્યાન ઘટી રહ્યું છે અને તેઓ સતત સરખામણીના માનસિક દબાણમાં ફસાઈ રહ્યા છે. Emmanuel Macron પોતે આ મુદ્દે ખૂબ સ્પષ્ટ વલણ ધરાવે છે. તેમણે અનેક વખત કહ્યું છે કે ફ્રાન્સ તેના બાળકોના મન અને ભાવનાઓને વિદેશી કંપનીઓના અલ્ગોરિધમ્સના હવાલે નથી કરી શકતું. તેમના મતે, સોશિયલ મીડિયા કંપનીઓ બાળકોના કલ્યાણ કરતાં નફાને વધારે મહત્વ આપે છે, જે ડિજિટલ સાર્વભૌમત્વ માટે જોખમી છે.
પ્રતિબંધ અમલમાં મૂકવો સૌથી મોટો પડકાર
આ પ્રતિબંધ અમલમાં મૂકવો સૌથી મોટો પડકાર છે અને સરકાર પણ સ્વીકારે છે કે 100 ટકા રોકાણ શક્ય નથી. તેમ છતાં, કડક વય ચકાસણી પ્રણાલી અમલમાં મૂકવામાં આવશે. નવા એકાઉન્ટ બનાવતી વખતે ઉંમર ચકાસણી ફરજિયાત રહેશે અને હાલના યુઝર્સને પણ 2026ના અંત સુધીમાં પોતાની ઉંમર ચકાસવી પડશે. આ પ્રક્રિયા તૃતીય-પક્ષ એજન્સીઓ દ્વારા કરવામાં આવશે જેથી વ્યક્તિગત ઓળખ માહિતી સીધી રીતે પ્લેટફોર્મ સુધી ન પહોંચે. યુરોપિયન યુનિયન સ્તરે એક સામાન્ય વય ચકાસણી એપ પર પણ કામ ચાલી રહ્યું છે. આ કાયદા હેઠળ જવાબદારી સીધી સોશિયલ મીડિયા કંપનીઓ પર રહેશે. યુરોપિયન યુનિયનના ડિજિટલ સર્વિસિસ એક્ટ હેઠળ નિયમોનું પાલન ન કરનારી કંપનીઓ પર ભારે દંડ લાગી શકે છે, જે તેમની વૈશ્વિક આવકના આધારે નક્કી થશે.
પહેલેથી જ શાળાઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ અંગે કડક
ફ્રાન્સ પહેલેથી જ શાળાઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ અંગે કડક છે. મિડલ સ્કૂલમાં ફોન પર પ્રતિબંધ છે અને નવું બિલ હાઇ સ્કૂલ સ્તરે પણ નિયંત્રણ વધુ મજબૂત બનાવશે. આ પગલું માત્ર ફ્રાન્સ પૂરતું સીમિત નથી; ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, યુકે અને અન્ય ઘણા દેશો પણ સમાન કાયદાઓ અથવા માર્ગદર્શિકાઓ પર વિચાર કરી રહ્યા છે.
આ પણ વાંચો : AI Impact Summit 2026 : PM મોદી સાથે સ્ટેજ પર 29 વર્ષીય અબજોપતિ! કોણ છે એલેક્ઝાન્ડર વાંગ?