ફ્રાન્સમાં વધી રહેલી મોંઘવારી સામે શરૂ થયેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યાં સરકાર દ્વારા લાદવામાં આવેલા કર્ફ્યુના કારણે સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્રાન્સ સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા અને મુસાફરી કરતા તમામ ભારતીય નાગરિકો માટે સુરક્ષા એડવાઈઝરી જારી કરી છે.

સંવેદનશીલ વિસ્તારોથી દૂર રહેવાની સલાહ 

ભારતીય દૂતાવાસે જારી કરેલી માર્ગદર્શિકામાં ભારતીય નાગરિકોને વર્તમાન સંજોગો અને કર્ફ્યુને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સાવચેત રહેવા જણાવાયું છે. નાગરિકોને મોટી સંખ્યામાં એકઠા ન થવા તેમજ પ્રદર્શનો થઈ રહ્યા હોય તેવા સંવેદનશીલ વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. 

નિર્દેશોનું પાલન કરવા સલાહ

આ ઉપરાંત ફ્રાન્સના સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતા નિર્દેશોનું પાલન કરવા અને સ્થાનિક સમાચારો દ્વારા અપડેટ રહેવા વિનંતી કરાઈ છે. કોઈપણ કટોકટીના સંજોગોમાં સંપર્ક કરવા માટે પેરિસ સ્થિત ભારતીય દૂતાવાસ અને માર્સેઇલ સ્થિત ભારતના મહાવાણિજ્ય દૂતાવાસના હેલ્પલાઇન નંબર તેમજ ઇમેઇલ જાહેર કરાયા છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરુપયોગ

બીજી તરફ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને દાવો કર્યો છે કે હિંસક દેખાવો દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. ખાડી દેશોના પ્રવાસ બાદ દોહામાં પત્રકારો સાથે વાત કરતા મેક્રોને સ્પષ્ટ કર્યું કે રમખાણોને ધર્મ વિશેષ સાથે સંબંધ નથી. એલિસી પેલેસ દ્વારા આ પ્રેસ કોન્ફરન્સનું જીવંત પ્રસારણ કરાયું હતું. 

આંતરરાષ્ટ્રીય સ્તરે માહિતી સાથે ચેડાં કરવામાં આવ્યા

મેક્રોને જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે માહિતી સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. કેટલાક વિદેશી નેતાઓએ એઆઈ નિર્મિત નકલી વીડિયો જોઈને બેજવાબદાર ટિપ્પણીઓ કરી હતી. જોકે તેમને કોઈ વિદેશી હસ્તક્ષેપના પુરાવા મળ્યા નથી. દેશ પર ઇસ્લામવાદીઓ કે શરણાર્થીઓએ હુમલો કર્યાના દાવા ખોટા છે.

રાષ્ટ્રજોગ સંબોધનની પણ ટીકા થઈ 

ફ્રાન્સમાં મેક્રોનના મધ્યપૂર્વ પ્રવાસ અને રવિવારના રાષ્ટ્રજોગ સંબોધનની પણ ટીકા થઈ છે. વિવેચકોના મતે તેમના સંબોધનમાં આગળની કોઈ સ્પષ્ટ દિશા નહોતી. દરમિયાન ટ્રમ્પે રાષ્ટ્રપતિ ચૂંટણીના દક્ષિણપંથી ઉમેદવાર મરીન લે પેનને રૂઢિચુસ્ત ગણાવ્યા છે. જોકે મેક્રોને કહ્યું કે સ્થિતિ તેમના નિયંત્રણમાં છે અને તેઓ જવાબદારી નિભાવી રહ્યા છે. 


આ પણ વાંચો :   Dussehra Explainer: ફાફડા જલેબી આરોગી લીધા ? તો હવે વાંચો કે તમારા ચટકારાનો આખો ફંડા શું છે..