ફ્રાન્સમાં આયોજિત G-7 સમિટ માત્ર ગંભીર વૈશ્વિક મુદ્દાઓ અને કૂટનીતિ માટે જ નહીં, પરંતુ નેતાઓ વચ્ચેની કેટલીક અનૌપચારિક અને રમૂજી ક્ષણો માટે પણ ચર્ચાનો વિષય બની રહી હતી. સામાન્ય રીતે સત્તાવાર મીટિંગ્સમાં ગંભીર દેખાતા વિશ્વના દિગ્ગજ નેતાઓ અહીં હળવા મૂડમાં જોવા મળ્યા હતા.


મેલોનીએ છોડ્યું ધૂમ્રપાન

સમિટ દરમિયાન એક એવી વાત સામે આવી જેણે સૌનું ધ્યાન ખેંચ્યું. ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ જ્યારે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથે વાતચીત કરી, ત્યારે તેમણે ખુલાસો કર્યો કે તેમણે 1લી મેથી ધૂમ્રપાન કરવાનું છોડી દીધું છે. મેલોનીના આ નિર્ણયના સાથી નેતાઓએ વખાણ કર્યા હતા. આ વાતચીતે વાતાવરણમાં એક સકારાત્મક ઉર્જા ભરી દીધી હતી.

ટ્રમ્પની રમૂજી ટિપ્પણી અને FIFA ની ચર્ચા

સમિટમાં રમતગમતનો મુદ્દો પણ છવાયેલો રહ્યો. આગામી FIFA વર્લ્ડ કપ વિશે થયેલી ચર્ચામાં નેતાઓએ પોતાના મંતવ્યો આપ્યા હતા. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે UFC પ્રમુખ ડાના વ્હાઇટની પ્રશંસા કરી હતી. સમિટમાં એક રમુજી ક્ષણ ત્યારે બની જ્યારે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પોતાની ઘડિયાળ ભૂલી ગયા. આ જોઈને ટ્રમ્પે મજાકમાં કહ્યું કે, "જ્યારે મેક્રોન જાય, ત્યારે મને તેની ઘડિયાળ આપજો." ટ્રમ્પની આ ટિપ્પણીએ ત્યાં ઉપસ્થિત નેતાઓમાં હાસ્યનું મોજું ફેલાવી દીધું હતું. આ સિવાય ટ્રમ્પ દ્વારા 'ગ્રીનલેન્ડ' શબ્દનો ઉલ્લેખ થતા ફરી એકવાર તેના પર રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

સાયકલની ભેટ અને મોદી-મેલોનીની મુલાકાત

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને આવતા વર્ષે આલ્પ્સમાં યોજાનારી સાયકલિંગ સ્પર્ધાઓને પ્રોત્સાહન આપવા માટે તમામ G-7 નેતાઓને વ્યક્તિગત સાયકલ ભેટમાં આપી હતી. આ ઉપરાંત, જર્મન ચાન્સેલર મેર્ઝે ટ્રમ્પને જર્મન ફૂટબોલ ટીમની '47' નંબરની જર્સી ભેટ આપી હતી, જે તેમના રાષ્ટ્રપતિ પદના ક્રમને દર્શાવે છે.

વિશેષ ક્ષણ પીએમ મોદી અને મેલોનીની મુલાકાત

આ શિખર સંમેલનમાં ભારત માટે એક વિશેષ ક્ષણ ત્યારે આવી જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જ્યોર્જિયા મેલોનીની મુલાકાત થઈ. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. મેલોનીએ સ્મિત સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું અને પીએમ મોદીએ પણ ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર પોતાની વધતી જતી લોકપ્રિયતા વિશે વાત કરી હતી.

એકતાનો સંદેશ

સત્તાવાર ગ્રુપ ફોટો દરમિયાન પીએમ મોદી અને અન્ય વૈશ્વિક નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા. G-7 સમિટના આ સત્રોએ સાબિત કર્યું કે વૈશ્વિક નેતાઓ ગંભીર પડકારોનો સામનો કરવા વચ્ચે પણ એકબીજા સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખવા માટે સમય કાઢી જાણે છે. આ મુલાકાતો માત્ર સરહદો પારના સંબંધો સુધારવા માટે જ નહીં, પરંતુ એકબીજાને વ્યક્તિગત સ્તરે સમજવા માટે પણ એક ઉત્તમ મંચ પૂરો પાડે છે.

આ પણ વાંચોઃ G7 Summit: ભારતીય નાવિકોના મોત પર સમિટમાં ગર્જયા PM મોદી, ટ્રમ્પની હાજરીમાં જ ઉઠાવ્યો મુદ્દો!



  • Follow us on: