ભારતની પ્રખ્યાત અને પવિત્ર આધ્યાત્મિક પરંપરા એવી 'ગંગા આરતી' હવે સાત સમુદ્ર પાર યુનાઇટેડ કિંગડમની રાજધાની લંડન સુધી પહોંચી ગઈ છે. રવિવારે લંડનમાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક અદ્ભુત સંગમ જોવા મળ્યો, જ્યારે પ્રથમવાર થેમ્સ નદીના કિનારે ભવ્ય ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું. આ ઐતિહાસિક કાર્યક્રમ ચિન્મય મિશન યુકે દ્વારા વાર્ષિક "ટોટલી થેમ્સ" ઉત્સવના સહયોગથી યોજવામાં આવ્યો હતો, જે સંસ્થાની 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાતી વૈશ્વિક ઉજવણીનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. આ ભવ્ય આયોજનમાં બ્રિટનભરમાંથી મોટી સંખ્યામાં હિન્દુ સમુદાયના લોકો અને આધ્યાત્મિક નેતાઓ ઉત્સાહભેર સામેલ થયા હતા.

પરંપરાગત વિધિ અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા

ભારતમાં ગંગા નદીના ઘાટ પર કરવામાં આવતી આરતીની જ દિવ્ય ભાવના સાથે લંડનમાં આ સમારોહ યોજાયો હતો. "થેમ્સ પર ગંગા આરતી: પ્રકાશનો સમારોહ" નામ આપવામાં આવેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ નદી, પ્રકૃતિ અને જીવન પ્રત્યે આદર તથા કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે દીવા પ્રગટાવ્યા હતા. સંપૂર્ણ ધાર્મિક વિધિઓ, મંત્રોચ્ચાર અને વૈદિક સંગીતના માહોલ વચ્ચે યોજાયેલી આ આરતીએ ઉપસ્થિત તમામ લોકોના મંત્રમુગ્ધ કરી દીધા હતા.
https://twitter.com/Devesh81403955/status/2099322787966161342

મહત્વનું છે કે પેઢીઓથી સમુદાયો નદી અને પ્રકૃતિ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ભેગા થતા આવ્યા છે. થેમ્સ નદી પર થયેલી આ આરતી પણ એ જ શાશ્વત ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે લોકોને એકતા અને આશાના સૂત્રમાં બાંધે છે. 

પર્યાવરણની સ્વચ્છતાનું વિશેષ ધ્યાન

આ આયોજનનું સૌથી નોંધપાત્ર પાસું તેની પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ હતી. થેમ્સ નદીના કિનારે આરતી સંપૂર્ણપણે જમીન પર જ કરવામાં આવી હતી અને પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નદીની પવિત્રતા જાળવવા માટે કોઈપણ પ્રકારની પૂજા સામગ્રી કે દીવા નદીમાં પધરાવવામાં આવ્યા ન હતા. આ કાર્યક્રમ દ્વારા પ્રકૃતિનું જતન કરવાનો અને કુદરતી સંપત્તિને હળવાશથી ન લેવાનો કડક સંદેશ આપવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૫૧માં સ્થપાયેલ ચિન્મય મિશન આજે વિશ્વભરમાં ૩૫૦ થી વધુ કેન્દ્રો દ્વારા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યો કરી રહ્યું છે, અને આ ઐતિહાસિક આરતીએ બ્રિટિશ-ભારતીય સમુદ્રમાં એક નવો અધ્યાય જોડ્યો છે.

આ પણ વાંચોઃ LAC બોર્ડર પર ભારતીય સેનાએ બનાવી મજબૂત પકડ, ચીનના સૈનિકોની તૈનાતીમાં નોધાયો ઘટાડો