મધ્ય પૂર્વમાં ચાલી રહેલો ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષ હવે વૈશ્વિક ઉર્જા સુરક્ષા માટે કાળ સાબિત થઈ રહ્યો છે. કતારના ઉર્જા મંત્રી અને કતાર એનર્જીના CEO સાદ અલ-કાબીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે ઈરાની મિસાઈલ હુમલાઓએ કતારની LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ) નિકાસ ક્ષમતાનો 17 ટકા હિસ્સો નષ્ટ કરી દીધો છે. આ ઘટનાને કારણે ભારત સહિત અનેક એશિયન અને યુરોપિયન દેશો માટે ગેસ પુરવઠાનું ગંભીર સંકટ ઊભું થયું છે.
ભારે આર્થિક નુકસાન અને સમારકામનો લાંબો સમય
અલ-કાબીના જણાવ્યા અનુસાર, આ હુમલાને કારણે કતારને વાર્ષિક આશરે $20 બિલિયન (અંદાજે ₹1.6 લાખ કરોડ) ની આવકનું નુકસાન થશે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે ક્ષતિગ્રસ્ત પ્લાન્ટના સમારકામમાં 3 થી 5 વર્ષ જેટલો સમય લાગી શકે છે. આ સમયગાળા દરમિયાન દર વર્ષે 12.8 મિલિયન ટન LNGનું ઉત્પાદન અટકી જશે. હુમલામાં કતારની 14 મુખ્ય LNG ટ્રેનોમાંથી બે ટ્રેનો અને મહત્વપૂર્ણ ગેસ-ટુ-લિક્વિડ (GTL) સુવિધાઓને ભારે નુકસાન પહોંચ્યું છે.
ભારત માટે કેમ ચિંતાજનક?
ભારત તેની LNG જરૂરિયાતનો મોટો હિસ્સો કતાર પાસેથી આયાત કરે છે. કતાર એનર્જીએ પહેલેથી જ ઇટાલી, બેલ્જિયમ, દક્ષિણ કોરિયા અને ચીન સાથેના પાંચ વર્ષના સપ્લાય કોન્ટ્રાક્ટ પર 'ફોર્સ મેજ્યોર' જાહેર કરી દીધું છે. આનો અર્થ એ છે કે અણધાર્યા સંજોગોને કારણે કંપની કરાર મુજબ ગેસ પૂરો પાડવા માટે હવે કાયદેસર રીતે બંધાયેલી નથી. જો ભારતનો પુરવઠો પણ આ રીતે પ્રભાવિત થાય, તો દેશમાં સીએનજી (CNG) અને ઘરવપરાશના ગેસના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે.
રાજદ્વારી અને સુરક્ષાની છબીને ફટકો
સાદ અલ-કાબીએ મીડિયા સાથે વાત કરતા દુઃખ વ્યક્ત કર્યું કે, "મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે રમઝાનના પવિત્ર મહિનામાં એક મૈત્રીપૂર્ણ મુસ્લિમ દેશ (ઈરાન) દ્વારા આવો હુમલો થશે." તેમણે ઉમેર્યું કે આ હુમલાઓએ આ પ્રદેશની સુરક્ષિત હોવાની છબીને ખરડી નાખી છે અને ઉર્જા ક્ષેત્રને 10 થી 20 વર્ષ પાછળ ધકેલી દીધો છે. આ પ્લાન્ટ્સમાં અમેરિકન તેલ કંપની એક્ઝોનમોબિલ અને શેલ જેવી દિગ્ગજ કંપનીઓ ભાગીદાર છે, જેમના માટે પણ આ મોટો ફટકો છે.
આ પણ વાંચોઃ 11 દેશો પર ઉડાન ભરતા પહેલા સાવધાન! DGCA એ જાહેર કરી મોટી એડવાઈઝરી