સોમવારના દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાઇલના વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહૂ વચ્ચે બેઠક થવાની છે. આ બેઠક વ્હાઇટ હાઉસમાં યોજાશે. આ બેઠક પર આખી દુનિયાની નજર છે કારણ કે એવી આશા છે કે આ બેઠકમાં ગાઝા વિસ્તારમાં યુદ્ધ વિરામ (સીઝફાયર) અંગે કોઈ સહમતિ બની શકે છે. ખાસ કરીને એવા સમયે જ્યારે ઇઝરાઇલ પર આંતરરાષ્ટ્રીય દબાણ સતત વધી રહ્યું છે અને ઘણા પશ્ચિમી દેશોએ પેલેસ્ટાઇનને માન્યતા આપી ચૂક્યા છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બેઠક પૂર્વે સોશિયલ મીડિયામાં શેર કરેલી એક પોસ્ટમાં કહ્યું કે મધ્ય પૂર્વમાં કઈક ખાસ થવાનું છે. ટ્રમ્પની આ પોસ્ટ પછી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગાઝામાં જલ્દી શાંતિ આવી શકે છે.
ટ્રમ્પનું ટ્વીટ –મધ્ય પૂર્વમાં કઈક ખાસ થવાનું છે
અમેરિકા, ગાઝા યુદ્ધમાં ઇઝરાઇલનો ઘનિષ્ઠ સમર્થક રહ્યો છે, પણ યુદ્ધ લાંબુ ચાલવાના કારણે અને ગાઝામાં ઇઝરાઇલના હુમલાઓ સામે આંતરરાષ્ટ્રીય દબાણ વધતાં હવે અમેરિકા પણ અસમર્થ જણાઈ રહ્યું છે. ઇઝરાઇલમાં નેતન્યાહૂની ગઠબંધન સરકાર પર પણ દબાણ વધી રહ્યું છે. આવા સમયમાં ટ્રમ્પ અને નેતન્યાહૂની ઓવલ ઓફિસમાં થનારી બેઠક અત્યંત મહત્વપૂર્ણ બની છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ગાઝામાં યુદ્ધ વિરામ માટે શાંતિ કરાર અંગે ગંભીર ચર્ચા ચાલી રહી છે. રવિવારે સોશિયલ મીડિયામાં શેર કરેલી પોસ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે લખ્યું કે, મધ્ય પૂર્વમાં મહાન પરિવર્તન માટે આપણ પાસે ખરેખર તક છે. આપણે સૌ પ્રથમવાર કઈક વિશિષ્ટ કરવા માટે એકસાથે આવ્યા છીએ અને આપણે આ કાર્ય પૂરું કરીને જ રહીશું.
નેતન્યાહૂ માટે અગ્નિપરીક્ષાનો સમય
ઓવલ ઓફિસમાં થનારી ટ્રમ્પ અને નેતન્યાહૂની બેઠક ઇઝરાઇલના વડા પ્રધાન માટે એક અગ્નિપરીક્ષા સમાન છે. ઇઝરાયલી રાજકારણના વિશ્લેષક ઇટન ગિલબોઆ કહે છે કે ટ્રમ્પ, નેતન્યાહૂ પર યુદ્ધ વિરામ માટે દબાણ કરી શકે છે. પરંતુ જો નેતન્યાહૂ યુદ્ધ વિરામ માટે સંમત થાય છે, તો તેમની પોતાની ગઠબંધન સરકાર જોખમમાં પડી શકે છે, કારણ કે તેમની સરકારના ઘણા સાથીદારો યુદ્ધ ચાલુ રાખવાની અને હમાસનો સંપૂર્ણ નાશ કરવાની માંગ કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં જો નેતન્યાહૂ યુદ્ધ વિરામ માટે તૈયાર થાય છે તો તેમના ઘણા સાથીદારો નારાજ થઈ શકે છે.