ઈઝરાયલી સેના દ્વારા ગાઝા પર જોરદાર હમલાઓ ચાલુ છે. આવી સ્થિતિમાં ભારે તબાહી અને જાનમાલના નુકસાનને લઈને ચિંતિત ઘણા ઈસ્લામી દેશોએ અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) ની બેઠક દરમ્યાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરવાની યોજના બનાવી છે. આ દેશોમાં સાઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત (યુએઈ), જોડન, તુર્કીਏ, ઈન્ડોનેશિયા અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. એવી માહિતી મળી રહી છે કે આ મુલાકાત દરમિયાન ટ્રમ્પ આ ઈસ્લામી દેશોના નેતાઓ અને અધિકારીઓને ગાઝામાં યુદ્ધ બંધ કરવાની અમેરિકા તરફથી રચાયેલી યોજના વિશે માહિતી આપશે.
ટ્રમ્પ આપી શકે છે ભાષણ
એક રિપોર્ટ અનુસાર બે અમેરિકન અને બે અરબ અધિકારીઓએ જણાવ્યું કે ટ્રમ્પ મંગળવારે અરબ અને ઈસ્લામી દેશોના નેતાઓના એક જૂથ સાથે મુલાકાત કરશે અને ગાઝામાં સ્થાયી યુદ્ધ વિરામ બાદ કોનું શાસન હશે, તેના વિશે યોજના અંગે અવગત કરશે. જોકે, હજી સુધી સ્પષ્ટ નથી કે ટ્રમ્પ યુએનજીએમાં તેમના ભાષણ દરમિયાન ગાઝા વિશેના પ્રસ્તાવો પર પણ વાત કરશે કે નહીં. તેમનું આ ભાષણ ઈસ્લામી દેશોના નેતાઓ સાથેની મુલાકાત પહેલા થશે.
શું છે ટ્રમ્પનો ત્રણ સૂત્રીય પ્લાન?
રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની યોજનામાં ત્રણ પ્રમુખ વાતો છે. જેમાં પહેલુ છે કે બંદીઓને મુક્ત કરાવવી, બીજુ કે ગાઝામાંથી ઇઝરાયલી સેનાને પાછી બોલાવવી અને યુદ્ધ બાદ ગાઝામાં એક એવું શાસન સ્થાપિત કરવું જેમાં હમાસની કોઇ ભૂમિકા ન હોય. હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે અત્યાર સુધીનો સૌથી મજબૂત પ્રસ્તાવ માનવામાં આવી રહ્યો છે.
ગાઝામાં સૈનિક મોકલવા તૈયાર
આ ઉપરાંત તે પણ જણાવવામાં આવ્યું છે કે અમેરિકા ઈચ્છે છે કે અરબ અને મુસ્લિમ દેશો ગાઝામાં પોતાની સેના મોકલવા માટે સહમતી આપે. આથી ઈઝરાયલ પર ગાઝામાંથી પાછા ખેંચાવાનું દબાણ ઊભું થઈ શકે અને ત્યાં ફરી વસવાટ અને બાંધકામ શરૂ કરી શકાય. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ સોમવારે જણાવ્યું કે તેમનો દેશ ગાઝામાં શાંતિ સેના માટે સૈનિક મોકલવા માટે તૈયાર છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ઈઝરાયલ ગાઝામાંથી પીછે હટ અને ત્યાં એક અલગ વિસ્તાર બનાવવામાં આવે. આ યોજના માટે તેઓ ઈચ્છે છે કે અરબ અને ઈસ્લામી દેશો પાસેથી નાણાંકીય સહાય પણ મળે.