જર્મનીના પશ્ચિમ ભાગમાં ક્રિસમસ દરમિયાન એક ચકિત કરી દેતી બેંક ચોરી સામે આવી છે. સ્પાર્કાસે સેવિંગ્સ બેંકની એક શાખામાં ચોરોએ હોલીવુડ ફિલ્મ જેવી યોજના અમલમાં મૂકી હતી. ચોરોએ પાર્કિંગ ગેરેજમાંથી સીધો અંડરગ્રાઉન્ડ વોલ્ટ સુધી મોટાં ડ્રિલની મદદથી માર્ગ બનાવ્યો અને અંદાજે 3,000 સેફ ડિપોઝિટ બોક્સ તોડી નાખ્યા.

રજાઓ અને વિકેન્ડનો ફાયદો ઉઠાવી કરી ચોરી

પોલીસના જણાવ્યા અનુસાર, ચોરોએ રજાઓ અને વીકએન્ડનો સંપૂર્ણ ફાયદો ઉઠાવ્યો. બેંક બંધ હોવાથી તેમને અનેક કલાકો સુધી શાંતિથી ડ્રિલિંગ કરવાની તક મળી. સાક્ષીઓએ શનિવાર અને રવિવારની રાત્રે કેટલાક લોકોને મોટા બેગ સાથે જતા જોયા હતા. સુરક્ષા કેમેરામાં સોમવારની સવારે પાર્કિંગ ગેરેજમાંથી એક કાળી ઓડી RS 6 કાર નીકળતી જોવા મળી હતી, જેમાં માસ્ક પહેરેલા લોકો બેઠેલા હતા.

ભારે તોડફોડ અને ખાલી સેફ બોક્સ જોવા મળ્યા

આ ચોરીનો ખુલાસો 29 ડિસેમ્બરની સવારે થયો, જ્યારે બેંકમાં ફાયર અલાર્મ વાગ્યો. ઈમર્જન્સી સેવાઓ સ્થળ પર પહોંચી ત્યારે અંદર ભારે તોડફોડ અને ખાલી સેફ બોક્સ જોવા મળ્યા. ઘટના બાદ બેંકે તરત જ ગ્રાહકો માટે હોટલાઇન શરૂ કરી અને અસરગ્રસ્ત લોકોને માહિતી આપવાનું શરૂ કર્યું. બેંકના પ્રવક્તાએ જણાવ્યું કે તેઓ આ ઘટનાથી અત્યંત આઘાતમાં છે.

સમાચાર ફેલાતાં જ બેંકની બહાર હજારો ગ્રાહકો ભેગા થયા

ઘટનાના સમાચાર ફેલાતાં જ બેંકની બહાર સૈકડો ગ્રાહકો ભેગા થયા. ઘણા લોકોએ કહ્યું કે તેમના સેફ ડિપોઝિટમાં રાખેલો સામાન વીમા કવરેજ કરતાં ઘણો વધુ મૂલ્યવાન હતો. સુરક્ષા કારણોસર બેંકની શાખા તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે. પોલીસે આ ચોરીને અત્યંત વ્યાવસાયિક ગણાવી છે અને તેની તુલના ફિલ્મ ‘ઓશન ઇલેવન’ સાથે કરી છે. અધિકારીઓના અંદાજ મુજબ, હજારો સેફ ડિપોઝિટ બોક્સનું સરેરાશ વીમા મૂલ્ય 10,000 યુરોથી વધુ છે, જેના આધારે કુલ નુકસાન લગભગ 30 મિલિયન યુરો જેટલું હોવાનું મનાઈ રહ્યું છે. હાલ પોલીસે તપાસ તેજ કરી છે અને ચોરો સુધી પહોંચવા માટે તમામ સંભવિત કડીઓ જોડી રહી છે.


  • Follow us on: