પાકિસ્તાનમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યુ છે. પાડોશી દેશમાં પૂરનું સંકટ યથાવત્ છે. અહીં ગ્લેશિયર ઓગળતા પૂરનું તાંડવ સામે આવ્યુ છે. હુંજામાં સ્થિત ગોજલના ગુલમિતમાં ગ્લેશિયર ઓગળતા હડકંપ મચ્યો હતો. ગ્લેશિયર ઓગળતા નદીઓ તથા નાળાઓ નવા નીરથી છલકાયા હતા. અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
ઇન્ટરનેટની સેવાઓ પ્રભાવિત
પાણીનું સ્તર વધતા પૂરનું સંકટ વધ્યુ હતુ. ખેતરમાં લાગેલા પાકને મોટુ નુકસાન થયુ હતુ. અને સાથે જ વીજળી અને ઇન્ટરનેટની સેવાઓ પ્રભાવિત થઇ હતી. છેલ્લા ઘણા દિવસથી ગિલગિટ બાલ્ટિસ્તાનમાં પૂરનું સંકટ ઘેરાયુ છે. પુલ અને વાહનોને નુકસાન પહોંચ્યુ છે. અહીં આવેલા બજાર, હોટેલ તથા રેસ્ટોરન્ટને પણ ભારે નુકસાન થયુ છે. આ પૂરના કારણે પ્રવાસીઓની મુશ્કેલીઓ વધી છે. નાળામાં પૂરની આટલી તીવ્રતા પહેલા ક્યારેય જોવા મળી નથી. ફાઇબર ઓપ્ટિક લાઇન તૂટી જવાને કારણે વિસ્તારમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઈ છે. જ્યારે ખુંજેરાબ નદીમાં વધતા પાણીએ પાવર લાઇનને પણ નુકસાન પહોંચાડ્યું છે.
આબોહવા પરિવર્તનથી આવી આફતો
હુંજાના હસનાબાદમાં, શિશપર ગ્લેશિયરમાંથી પૂર સાથે સંકળાયેલ ધોવાણ યથાવત્ છે. આના કારણે વધુ બે ઘરો તૂટી પડ્યા હતા. આ વિસ્તારના અન્ય ઘરો પણ જોખમમાં છે. શિગર જિલ્લામાં અચાનક પૂરથી બાશાના ડોગોરો ગામમાં ઘરો અને મિલકતોને પણ નુકસાન થયું. આ પૂરથી પાકને નુકસાન થયું અને સેવેજ માઉન્ટેન તરફ જતો રસ્તો બ્લોક થઈ ગયો હતો. ગિલગિટ-બાલ્ટિસ્તાન સરકારના પ્રવક્તા ફૈઝુલ્લાહ ફારાકે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનઃર્વસન કાર્ય ચાલી રહ્યું છે. આબોહવા પરિવર્તનને કારણે સર્જાયેલી આફતોએ ગિલગિટ-બાલ્ટિસ્તાનનો નકશો બદલી નાખ્યો છે. નદીઓના ઝડપી પ્રવાહ, ધોવાણ અને ભૂસ્ખલન સમારકામના કાર્યને જટિલ બનાવી રહ્યા છે.