અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા ઐતિહાસિક શાંતિ કરારને સમગ્ર વિશ્વમાં આવકાર મળી રહ્યો છે. પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને 100 દિવસથી વધુના સંઘર્ષ બાદ આ સમજૂતીને એક મોટી રાજદ્વારી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. વિશ્વના મુખ્ય દેશોના નેતાઓએ આ કરારના વખાણ કરતા જણાવ્યું છે કે આ પગલું પ્રાદેશિક સ્થિરતા જાળવવા અને વૈશ્વિક ઉર્જા બજાર પરનું દબાણ હળવું કરવામાં અત્યંત નિર્ણાયક સાબિત થશે.


કતારના વડા પ્રધાન મહત્વનું પગલું ગણાવ્યુ

કતારના વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાનીએ આ કરારનું સ્વાગત કરતા તેને સ્થાયી શાંતિ અને આર્થિક વિકાસ તરફનું મહત્વનું પગલું ગણાવ્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી કે બંને દેશો રચનાત્મક ભાવના સાથે આગળ વધશે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને પણ આ વિકાસને શાંતિ અને સુરક્ષા સ્થાપિત કરવા માટેનો માર્ગ ગણાવ્યો અને મધ્યસ્થી કરવામાં કતાર તથા સાઉદી અરેબિયાના યોગદાનની પ્રશંસા કરી હતી.

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે પણ આપી પ્રતિક્રિયા

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે આ કરારને યુદ્ધનો અંત લાવવાની દિશામાં એક મહત્વનું ડગલું ગણાવ્યું છે. તેમણે ઈરાન પરમાણુ શસ્ત્રો ન મેળવે તે બાબત પર ભાર મૂકતા ટેકનિકલ વાટાઘાટો અને દરિયાઈ સુરક્ષા માટેના પ્રયાસોમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. બીજી તરફ, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે આને વૈશ્વિક અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટેની એક મોટી સિદ્ધિ ગણાવી હતી.

ફ્રાન્સના રાષ્ટ્રપતિએ હોર્મુઝ બિનશકતી ખોલવા પર મૂક્યો ભાર

ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક અને બિનશરતી રીતે ફરીથી ખોલવા પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે ફ્રાન્સ અને યુનાઇટેડ કિંગડમ દરિયાઈ ટ્રાફિકને પુનઃસ્થાપિત કરવા માટેના આંતરરાષ્ટ્રીય પ્રયાસોને સમર્થન આપશે. મેક્રોને વધુમાં ઉમેર્યું કે આ કરાર હવે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને પ્રાદેશિક સુરક્ષા ચિંતાઓને સંબોધવા માટે વ્યાપક વાટાઘાટોનો માર્ગ મોકળો કરશે.

વિશ્વભરના નેતાઓના સકારાત્મક પ્રતિભાવો

વિશ્વભરના નેતાઓના આ સકારાત્મક પ્રતિભાવો દર્શાવે છે કે હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખોલવાથી માત્ર આર્થિક જ નહીં, પરંતુ ભૌગોલિક રાજકીય રીતે પણ મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો અંત આવશે. તમામ પક્ષો હવે કરારના સંપૂર્ણ અમલીકરણ અને શાંતિપૂર્ણ ભવિષ્ય માટે આશાવાદી જણાય છે. આ કરારથી વિશ્વના ઉર્જા બજારમાં જે રાહતની લાગણી પ્રસરી છે, તે વૈશ્વિક અર્થતંત્રને નવી દિશા આપવા માટે પૂરતી છે.

આ પણ વાંચોઃ Iran-America વચ્ચે થઇ શાંતિ સમજૂતી,19 જૂને ખુલશે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ


  • Follow us on: