અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર પોતાના નિવેદનોથી ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમણે વેનેઝુએલા પર હુમલો કર્યો અને તેના રાષ્ટ્રપતિની ધરપકડ કરી લીધી. વેનેઝુએલા પહેલા ટ્રમ્પે ગ્રીનલેન્ડ અંગે અનેક નિવેદનો આપ્યા છે. તેમણે ખુલ્લેઆમ ગ્રીનલેન્ડ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વધુમાં, ટ્રમ્પે વારંવાર ગ્રીનલેન્ડને ભેળવી દેવાની ધમકી આપી છે. હવે, ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડ્રિક નીલ્સનનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી.
ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલ્સને જણાવ્યું છે કે ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી અને તે એક સ્વતંત્ર દેશ છે જે પોતાનું ભવિષ્ય પોતે નક્કી કરશે. તેમણે ગ્રીનલેન્ડ ખરીદવાની યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફરને નકારી કાઢતા કહ્યું કે ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી.
અમે અમેરિકન બનવા માગતા નથી : નીલ્સન
જેન્સ-ફ્રેડરિક નીલ્સને ભારપૂર્વક જણાવ્યું હતું કે ગ્રીનલેન્ડ ડેનમાર્ક રાજ્ય સાથે એકતામાં છે અને નાટો જોડાણમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે. જોકે, ગ્રીનલેન્ડ તેની સ્વતંત્રતા અને સ્વાયત્તતા જાળવી રાખશે. અમે અમેરિકન બનવા માગતા નથી કે ડેનિશ બનવા માગતા નથી. અમે ગ્રીનલેન્ડર બનવા માગીએ છીએ, જેમ અમે અત્યારે છીએ. અમે અમારા લોકો સાથે મળીને ગ્રીનલેન્ડનું ભવિષ્ય નક્કી કરીશું," નીલ્સને ઉમેર્યું, સ્પષ્ટ કર્યું કે કોઈ પણ દેશ તેમને ખરીદી કે નિયંત્રિત કરી શકતો નથી.
ગ્રીનલેન્ડ ખરીદવા માટે ડેનમાર્ક સાથે સોદો કરવા માટે તૈયાર
ટ્રમ્પ તેમના બીજા કાર્યકાળની શરૂઆતથી જ ગ્રીનલેન્ડ પર નજર રાખી રહ્યા છે. તેમણે તેના વિશે વિવિધ નિવેદનો આપ્યા છે. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે તેઓ ગ્રીનલેન્ડ ખરીદવા માટે ડેનમાર્ક સાથે સોદો કરવા માટે તૈયાર છે, પરંતુ જો તેમ નહીં થાય તો અમેરિકા તેને મેળવવા માટે અન્ય માધ્યમોનો ઉપયોગ કરશે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ગ્રીનલેન્ડ તેના વ્યૂહાત્મક સ્થાન, તેના ખનિજ સંસાધનો અને આર્કટિકમાં રશિયા અને ચીનની વધતી હાજરીને કારણે અમેરિકા માટે જરૂરી છે.
આ પણ વાંચો: Iran Protest: ઈરાનના વિદેશ મંત્રીએ જર્મન સરકાર પર કર્યા પ્રહાર, કહ્યુ માનવ અધિકારોના મુદ્દાઓ ઉઠાવવાનો તેમને કોઈ અધિકાર નથી