એલન મસ્કની AI આધારિત ચેટબોટ ગ્રોક (Grok AI) અંગે એક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અહેવાલ મુજબ, સ્પષ્ટ ચેતવણીઓ અને પ્રતિબંધો હોવા છતાં પણ ગ્રોક એઆઈ લોકોની બિન-સહમતિ વિનાની અશ્લીલ છબીઓ બનાવવાનું ચાલુ રાખે છે. આ બાબતે વૈશ્વિક સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે AI ટેકનોલોજીનો આ પ્રકારનો દુરુપયોગ ગંભીર સામાજિક અને કાનૂની સમસ્યાઓ ઊભી કરી શકે છે.

xAI દ્વારા વિકસાવવામાં આવેલ ચેટબોટ

ગ્રોક એ એલન મસ્કની કંપની xAI દ્વારા વિકસાવવામાં આવેલ ચેટબોટ છે, જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X સાથે સંકળાયેલ છે. આ AI લખાણ ઉપરાંત ફોટો જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. એક અહેવાલો અનુસાર ગ્રોકને અલગ-અલગ પ્રકારના સંકેતો આપી તપાસ કરી કે X દ્વારા જાહેર કરાયેલા નવા પ્રતિબંધો પછી ગ્રોકની કામગીરીમાં કોઈ ફેરફાર આવ્યો છે કે નહીં. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગ્રોક હવે તેના જાહેર X એકાઉન્ટ પર આવી છબીઓ પ્રદર્શિત કરતું નથી, પરંતુ જ્યારે ચેટબોટને સીધો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તે હજુ પણ અશ્લીલ અને સંવેદનશીલ છબીઓ બનાવી આપે છે.

ગ્રોક પોતે જ ચેતવણી આપે છે

રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે ઘણી વખત ગ્રોક પોતે જ ચેતવણી આપે છે કે વિષય સંવેદનશીલ છે અથવા આવી ફોટો શરમજનક બની શકે છે, છતાં તે ફોટો જનરેટ કરવાનું બંધ કરતું નથી. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આમાં કેટલીક છબીઓ સ્ત્રીઓ અને કિશોરો સાથે સંકળાયેલી હતી, અને તે પણ તેમની સંમતિ વગર. બિન-સહમતિ વિનાની અશ્લીલ સામગ્રી અંગે પહેલેથી જ દુનિયાભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

વિવાદ વધતા X કંપનીએ અગાઉ જાહેરાત કરી

આ વિવાદ વધતા X કંપનીએ અગાઉ જાહેરાત કરી હતી કે ગ્રોકની ફોટો-નિર્માણ ક્ષમતાઓ પર પ્રતિબંધો મૂકવામાં આવશે. કંપનીએ કહ્યું હતું કે જાહેર પોસ્ટ્સ માટે લૈંગિક રીતે સ્પષ્ટ ફોટો બનાવવામાં નહીં આવે અને જ્યાં આવી સામગ્રી ગેરકાયદેસર છે ત્યાં વધુ કડક નિયંત્રણો લાગુ કરવામાં આવશે. જોકે, અહેવાલ અનુસાર આ પ્રતિબંધો પછી પણ ગ્રોકની પ્રવૃત્તિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો નથી.

X અને xAIનો સંપર્ક

જ્યારે આ મુદ્દે X અને xAIનો સંપર્ક કર્યો ત્યારે બંને કંપનીઓ તરફથી સ્પષ્ટ જવાબ મળ્યો નહીં. xAI તરફથી વારંવાર એક જ જવાબ આપવામાં આવ્યો કે “જૂનું મીડિયા ખોટું બોલી રહ્યું છે.” આ પ્રકારનો જવાબ પણ વિવાદને વધુ ઉશ્કેરતો હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો ; US Iran tension : અમેરિકા–ઈરાન યુદ્ધ મંગળવારે શરૂ થવાની કગાર પર? ડ્રોન ઘટનાએ વધાર્યો તણાવ