અત્યાર સુધીમાં 53 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે બાકીના લોકોની શોધખોળ ચાલુ છે.

ફેરી ડૂબતા હડકંપ 

દક્ષિણ અમેરિકન દેશ ગુયાનામાં એક મોટો અકસ્માત થયો છે. 116 મુસાફરો અને ક્રૂને લઈને જતી એક ફેરી ડૂબી ગઈ હતી. અકસ્માત બાદ ઝડપી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેના પરિણામે 53 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. હજુ પણ ઘણા લોકોની શોધખોળ ચાલુ છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, એમવી બારીમા નામની ફેરી રાજધાની જ્યોર્જટાઉનથી પોર્ટ કૈટુમા જઈ રહી હતી. રસ્તામાં, મોડી રાત્રે આયર્ન પન્ટ નજીક અચાનક ફેરીનું સંતુલન બગડ્યું અને તે પલટી ગઈ હતી. 

બચાવ કામગીરી શરુ 

ગુયાનાના જાહેર બાંધકામ મંત્રી જુઆન એજહિલે જણાવ્યું હતું કે અકસ્માતની જાણ થતાં જ સરકારી એજન્સીઓ તેમજ ખાનગી બોટોને બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવી હતી. કોસ્ટ ગાર્ડ અને નજીકની ખાનગી બોટોએ સમુદ્રમાંથી ઘણા મુસાફરોને બચાવ્યા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે ફેરી બપોરે 3:15 વાગ્યે જ્યોર્જટાઉનથી રવાના થઈ હતી. અકસ્માત બાદ બચાવાયેલા લોકોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા માટે તબીબી ટીમો પણ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.

પરિસ્થિતિનું નિરીક્ષણ કરાયુ 

ગુયાનાના વડા પ્રધાન માર્ક ફિલિપ્સ વ્યક્તિગત રીતે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે અને રાહત પ્રયાસોની સમીક્ષા કરી રહ્યા છે. સરકારે સંબંધિત એજન્સીઓને બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે. પોર્ટ કૈટુમા, જ્યાંથી ફેરી જઈ રહી હતી, તે ગુયાનાના એસેક્વિબો પ્રદેશમાં આવેલું છે. આ વિસ્તાર લાંબા સમયથી ગુયાના અને પડોશી વેનેઝુએલા વચ્ચેના પ્રાદેશિક વિવાદનું કેન્દ્ર રહ્યો છે. હાલમાં સમગ્ર રાષ્ટ્ર બચાવ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. 

આ પણ વાંચોઃ  સોમવારે રાજ્યસભામાં બિલ રજૂ કરશે અમિત શાહ, સરકાર તેને કેમ પસાર કરવા ઇચ્છે છે?, જાણો