અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા માટે ભારે ફી નક્કી કરી છે. જ્યારે આ બાબાતે વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું છે કે H-1B વિઝા પર લગાવવામાં આવેલી નવી ફી વાર્ષિક નહીં પરંતુ ફક્ત એક જ વખત લાગુ પડશે અને તે પણ ફક્ત નવા અરજીઓ માટે જ લાગુ થશે. હાલમાં વિઝા ધરાવતા લોકો અથવા વિદેશમાં રહેનારા લોકોને કોઈ વધારાની ફી ચૂકવવાની જરૂર નથી. યુએસસીઆઈએસ (USCIS) અને વ્હાઇટ હાઉસે આ નિર્ણયને લઈને સ્પષ્ટતા આપી છે.
નવા વિઝા ધારકો માટે લાગુ આ નિયમ
USCIS એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ નવો નિયમ ફક્ત તે અરજીઓ માટે લાગુ પડશે જે હજુ સુધી દાખલ થયા નથી. પહેલાથી જ H-1B વિઝા ધરાવનારા અથવા વિદેશમાં રહેનારા લોકો પર આ ફી લાગુ નથી. પ્રેસ સેક્રેટરી લેવિટે કહ્યું કે હાલ જે લોકો H-1B વિઝા ધરાવે છે અને વિદેશમાં છે, તેમને $1,00,000 ફી ચૂકવવાની ફરજ રહેશે નહીં. તેઓ સામાન્ય રીતે અમેરિકા અવર જવર કરી શકશે. આ નવો નિયમ ફક્ત નવા અરજીઓ અને આવતા લોટરી સિસ્ટમ માટે લાગુ પડશે.
વિઝા રિન્યૂઅલ કે હાલના વિઝા ધરાવનારાઓ માટે નહીં.
એક લાખ ડોલરની ફી ફક્ત નવા વિઝા ધરાવનારાઓ માટે
યુએસ સરકારના વરિષ્ઠ અધિકારીએ પણ જણાવ્યું છે કે જે લોકો અમેરિકા થી ભારત જઇ રહ્યા છે અથવા પાછા આવી રહ્યા છે, તેમને તત્કાળ કોઈ કાર્યવાહી કરવાની કે $1,00,000 ફી ચૂકવવાની જરૂર નથી. આ ફી ફક્ત નવા વિઝા માટે લાગુ પડશે.
ભારતીય દૂતાવાસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર
આ દરમિયાન, અમેરિકા સ્થિત ભારતીય દૂતાવાસે એમર્જન્સી માટે હેલ્પલાઇન નંબર +1-202-550-9931 જાહેર કર્યો છે. આ નંબર પર વોટ્સએપ પણ કરી શકાય છે. આ નંબર ફક્ત ભારતીય નાગરિકો માટે ઇમર્જન્સી ઘટનામાં સંપર્ક માટે છે.










