અમેરિકાની મધ્યસત્ર (Midterm) ચૂંટણીઓમાં રિપબ્લિકન પાર્ટીની હાર બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રમાં મોટા ફેરફારો શરૂ થઈ ગયા છે. આ ક્રમમાં ભારતીય-અમેરિકન સહાયક એટર્ની જનરલ હરમીત ઢિલ્લોને યુએસ ન્યાય વિભાગના નાગરિક અધિકાર વિભાગના વડા તરીકે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. મધ્યસત્ર ચૂંટણી પરિણામો પછી ટ્રમ્પ પ્રશાસન છોડનાર તેઓ પ્રથમ વરિષ્ઠ અધિકારી બન્યા છે. એટર્ની જનરલ ટોડ બ્લાન્ચે 5 નવેમ્બર, 2026 ના રોજ તેમના રાજીનામાની પુષ્ટિ કરી હતી અને તેમની દેશસેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ટ્રમ્પના કાનૂની સલાહકાર રહી ચૂક્યા છે હરમીત

હરમીત ઢિલ્લોને એપ્રિલ 2025 માં આ મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે રાજીનામાનો નિર્ણય તેમણે ચૂંટણી પરિણામો પહેલાં જ લઈ લીધો હતો. તેમણે લગભગ ત્રણ અઠવાડિયા પહેલા રાજીનામું આપવાની ઈચ્છા દર્શાવી હતી, પરંતુ વ્હાઈટ હાઉસના વિનંતીથી તેઓ ચૂંટણી સુધી પદ પર રહ્યા હતા. ચંદીગઢમાં એક શીખ પરિવારમાં જન્મેલા હરમીતનો પરિવાર બાદમાં યુનાઈટેડ સ્ટેટ્સમાં સ્થાયી થયો હતો. તેઓ કાયદાકીય ક્ષેત્રે જાણીતું નામ છે અને ટ્રમ્પના કાનૂની સલાહકાર પણ રહી ચૂક્યા છે.

બદલાવને કારણે જૂના કર્મચારીઓએ આપ્યું રાજીનામું

પોતાના 18-19 મહિનાના કાર્યકાળ દરમિયાન ઢિલ્લોને વિભાગની પરંપરાગત નીતિઓમાં વ્યાપક બદલાવ કર્યા હતા. તેમણે ગેરકાયદેસર DEI (વિવિધતા, સમાનતા અને સમાવેશ) નીતિઓને નાબૂદ કરવા, મહિલા રમતોની સુરક્ષા અને બંદૂક રાખવાના અધિકારો (બીજો બંધારણીય સુધારો) નું રક્ષણ કરવા જેવા જમણેરી મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. જોકે, આ બદલાવોના કારણે વિભાગના 75 ટકાથી વધુ જૂના કર્મચારીઓએ રાજીનામું આપ્યું હતું અથવા તેમને દૂર કરવામાં આવ્યા હતા.

ટ્રમ્પને ચૂંટણી બાદ ઝટકો

તેમના કાર્યકાળના અંતિમ દિવસોમાં તેમને કેટલાક કાનૂની આંચકાઓ પણ સહન કરવા પડ્યા હતા. મતદાર યાદીઓમાંથી બિન-અમેરિકન નાગરિકોના નામ હટાવવા માટે તેમણે વિવિધ રાજ્યોમાં દાખલ કરેલા મુકદ્દમાઓને દેશની અદાલતોએ ફગાવી દીધા હતા. આ ઉપરાંત, કેટલીક યુનિવર્સિટીઓ સામે યહૂદી વિરોધીતા અને શ્વેત વિદ્યાર્થીઓ સામેના ભેદભાવ અંગે કરેલી કાર્યવાહીમાં પણ ન્યાય વિભાગને અદાલતોમાંથી ખાસ સફળતા મળી નહોતી. ચૂંટણીમાં ડેમોક્રેટ્સ દ્વારા ગોટાળાના આક્ષેપોવાળા કેસોથી પણ તેઓ છેલ્લા કેટલાક સમયથી અંતર જાળવી રહ્યા હતા.

આ પણ વાંચોઃ દિવાળીએ સોનપાપડી નહીં, આપો કામની ગિફ્ટ! ₹1000થી ઓછી કિંમતમાં 5 શાનદાર ટેક ગેજેટ્સ