તમાકુ, દારૂ, સ્થૂળતા, ચેપ અને ખરાબ જીવનશૈલીની આદતોને કેન્સરના સૌથી મોટા કારણો તરીકે દર્શાવવામાં આવ્યા છે.
નવા અભ્યાસમાં શું આવ્યુ સામે ?
કેન્સરને હંમેશા એક એવો રોગ માનવામાં આવે છે જેને રોકી શકાતો નથી. વિશ્વ આરોગ્ય સંગઠન અને આંતરરાષ્ટ્રીય એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર દ્વારા કરાયેલી નવા અભ્યાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિશ્વભરમાં કેન્સરના લગભગ 40% કેસ અટકાવી શકાય છે. આ સંશોધન વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે સરકારો અને જનતામાં કેન્સરના સાચા કારણો અને નિવારક પગલાં વિશે જાગૃતિ લાવવા માટે પ્રકાશિત કરવામાં આવ્યું છે.
ખરાબ જીવનશૈલી એટલે રોગને આમંત્રણ
આ અભ્યાસમાં, WHO અને IARCએ કેન્સરના 30 મુખ્ય કારણોનું વિશ્લેષણ કર્યું છે. જેને બદલી શકાય છે અથવા નિયંત્રિત કરી શકાય છે. આમાં તમાકુ અને દારૂનું સેવન, સ્થૂળતા, શારીરિક નિષ્ક્રિયતા, વાયુ પ્રદૂષણ, અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ અને નવ કેન્સર પેદા કરતા ચેપનો સમાવેશ થાય છે. નવા અહેવાલ મુજબ, 2022માં કેન્સરના નવા કેસોમાં આશરે 37 ટકા કેસ એવા કારણો સાથે સંકળાયેલા હતા. જે સ્વસ્થ જીવનશૈલી અને સ્વસ્થ ટેવો દ્વારા અટકાવી શકાયા હોત.
ભારતમાં ચેપ કેન્સરનું મુખ્ય કારણ
ભારતની વાત કરીએ તો, પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં કેન્સરના લગભગ 37 ટકા કેસ અટકાવી શકાય તેવા છે. ભારતમાં ચેપ કેન્સરનું મુખ્ય કારણ છે. દેશમાં કેન્સરના લગભગ 13.4 ટકા કેસ ચેપને કારણે થાય છે. વધુમાં, તમાકુનો ઉપયોગ પણ ગંભીર જોખમ ઊભું કરે છે. અહેવાલ મુજબ, કેન્સરના 10.5 ટકા કેસ માટે ધૂમ્રપાન જવાબદાર છે. જ્યારે ધૂમ્રપાન વગરના તમાકુ અને સોપારીનું સેવન લગભગ 5 ટકા કેસ સાથે સંકળાયેલું છે.
આ પણ વાંચોઃ તમે ક્યારેય કેમ હસતા નથી?, મહિલા પત્રકારને Donald Trumpએ પૂછેલા પ્રશ્ન બાદ ઉગ્ર બોલાચાલી
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
