27 વર્ષ સુધી ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ડિક ચેનીની સારવાર કરનારા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. જોનાથન રેઇનરે ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગે વ્હાઇટ હાઉસના દાવાઓ પર સવાલ ઉઠાવ્યા છે.
ટ્રમ્પની શારિરીક સ્થિતિમાં ફેરફાર
કાર્ડિયોલોજિસ્ટ ડૉ. જોનાથન રેઇનરે જણાવ્યું હતું કે, ટ્રમ્પ છેલ્લા એક વર્ષમાં ઘણી વખત બીમાર દેખાયા હતા. રેઇનરે ખાસ કરીને ટ્રમ્પના બંને હાથ પર ઉઝરડા, તેમના પગમાં સોજો અને ટ્રમ્પ ક્યારેક જાગતા રહેવા માટે સંઘર્ષ કરતા દેખાયા હતા તેનો ઉલ્લેખ કર્યો હતો. રેઇનરે રાષ્ટ્રપતિના એડવાન્સ્ડ ઇમેજિંગ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું કે જનતાને રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય વિશે જાણવાનો અધિકાર છે.
ડૉ. જોનાથન રેઇનરે શુ કરી સ્પષ્ટતા ?
રેઇનરે એ પણ સ્પષ્ટતા કરી કે તેઓ ટ્રમ્પની સારવાર કરી રહ્યા નથી અને જાહેરમાં ઉપલબ્ધ માહિતીના આધારે પોતાની ચિંતાઓ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ટ્રમ્પ અમેરિકાના સૌથી વધુ જાહેરમાં દેખાતા રાષ્ટ્રપતિઓમાંના એક છે. તેમના સ્વાસ્થ્યના કેટલાક સંકેતો જાહેરમાં જોઈ શકાય છે. તેથી, તેમની તબીબી સ્થિતિ અંગે સ્પષ્ટ માહિતી જાહેર કરવી જોઈએ.
વ્હાઇટ હાઉસની પ્રતિક્રિયા
રેઇનરની ટિપ્પણીઓ પર વ્હાઇટ હાઉસે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. વ્હાઇટ હાઉસે રેઇનર પર રાજકીય હેતુઓ માટે તેમની બીમારી વિશે અપ્રમાણિત ધારણાઓ કરવાનો આરોપ મૂક્યો હતો. વહીવટીતંત્રે એમ પણ કહ્યું હતું કે, આવી અટકળો તબીબી વ્યવસાય માટે શરમજનક છે. વ્હાઇટ હાઉસે ટ્રમ્પનો બચાવ કર્યો, તેમને ખૂબ જ મહેનતુ રાષ્ટ્રપતિ અને તેમની ફરજો બજાવવા માટે સંપૂર્ણપણે સક્ષમ ગણાવ્યા હતા.
ટ્રમ્પનો નવીનતમ તબીબી અહેવાલ
ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગેનો તાજેતરનો વિગતવાર તબીબી અહેવાલ મે 2026માં વોલ્ટર રીડ નેશનલ મિલિટરી મેડિકલ સેન્ટરમાં તપાસ બાદ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિના ચિકિત્સક ડૉ. શોન બાર્બાબેલાએ ટ્રમ્પના સ્વાસ્થ્યને ઉત્તમ ગણાવ્યું અને કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ પદની ફરજો બજાવવા માટે સંપૂર્ણપણે ફિટ છે. તબીબી તપાસમાં બાવીસ નિષ્ણાતોએ ભાગ લીધો હતો, જેમાં હાર્ટ ઇમેજિંગ, સીટી સ્કેન, કેન્સર સ્ક્રીનીંગ અને અન્ય ઘણા પરીક્ષણોનો સમાવેશ થતો હતો.
આ પણ વાંચોઃ ઉત્તરાખંડના ચમોલીમાં THDC પ્રોજેક્ટની ટનલ ધસતાં 20 શ્રમિક ફસાયા, 13ને સુરક્ષિત બહાર કઢાયા
