મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા)માં સતત વધી રહેલા તણાવ અને હોર્મુઝ સંકટ વચ્ચે વૈશ્વિક વેપારને ચાલુ રાખવા માટે કઝાકિસ્તાને એક મોટો માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે. કઝાકિસ્તાન ચીન અને યુરોપને જોડતા 'મિડલ કોરિડોર' (Middle Corridor) એટલે કે ટ્રાન્સ-કેસ્પિયન ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ રૂટ (TITR)ને ખૂબ જ ઝડપથી વિકસાવી રહ્યું છે. આ પ્રોજેક્ટ પાછળ દેશ તેના રેલ નેટવર્ક પર આશરે 10 અબજ ડોલર (અંદાજે ₹83,000 કરોડથી વધુ) નો જંગી ખર્ચ કરી રહ્યો છે.

દરિયાઈ માર્ગ કરતાં 15 દિવસ બચશે

આ નવા કોરિડોરની કુલ લંબાઈ 4,250 કિલોમીટરથી વધુ છે, જેમાં આશરે 500 કિલોમીટરનો દરિયાઈ હિસ્સો પણ સામેલ છે. આ રૂટની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનાથી માલસામાન પરંપરાગત દરિયાઈ માર્ગોની સરખામણીએ આશરે 15 દિવસ વહેલો પહોંચી જશે. કઝાકિસ્તાનની સરકારી રેલવે કંપની 'કઝાકિસ્તાન તેમિર ઝોલી'ના CEO તલગત અલ્દીબર્ગેનોવે જણાવ્યું હતું કે, હોર્મુઝ સંકટ બાદ હવે ચીનની કંપનીઓ દરિયાઈ માર્ગને બદલે જમીની માર્ગે માલ મોકલવામાં વધુ રસ દાખવી રહી છે, કારણ કે રેલ માર્ગ વધુ ભરોસાપાત્ર અને સમયબદ્ધ છે.

કયા દેશોમાંથી પસાર થશે આ રૂટ?

આ નવો વેપારી રસ્તો ચીનથી શરૂ થઈને કઝાકિસ્તાન, કેસ્પિયન સાગર, અઝરબૈજાન, જોર્જિયા અને તુર્કી થઈને યુરોપ સુધી પહોંચે છે. તુર્કીના બંદરો દ્વારા આ રૂટ મિડલ ઈસ્ટ, નોર્થ આફ્રિકા અને મેડિટેરેનિયન દેશો સુધી સીધી પહોંચ પણ પ્રદાન કરે છે.

યુરોપિયન યુનિયન (EU) દ્વારા મળી રહ્યું છે ફંડિંગ

તાજેતરમાં જ કઝાકિસ્તાનની રાજધાની અસ્તાના ખાતે યુરોપિયન યુનિયનના અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી. વૈશ્વિક તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં આ રૂટને રાજકીય રીતે વધુ સ્થિર માનવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કેસ્પિયન સાગરમાં આવેલા 'અક્તાઉ બંદર' (Aktau Port)ને આધુનિક બનાવવામાં આવી રહ્યું છે, જેના માટે યુરોપિયન યુનિયન અને યુરોપિયન બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ (EBRD) દ્વારા આર્થિક મદદ (ફંડિંગ) આપવામાં આવી રહી છે.

યુદ્ધના ધોરણે કામ ચાલુ: 12 નવા સ્ટેશન શરૂ

કઝાકિસ્તાન અત્યારે દેશભરમાં આશરે 3,000 કિલોમીટરના રેલ નેટવર્કને મોર્ડનાઇઝ કરી રહ્યું છે, જેમાંથી 900 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ગયું છે. મે મહિનાની શરૂઆતમાં જ 'અલ્ટિનકોલ-ઝેટીગેન' રેલ સેક્શન હેઠળ 293 કિમી લાંબી લાઇનને અપગ્રેડ કરીને 12 રેલવે સ્ટેશનો શરૂ કરી દેવાયા છે.

 કાર્ગો ક્ષમતામાં મોટો ઉછાળો આવવાની આશા

છેલ્લા 10 વર્ષમાં કઝાકિસ્તાનનો ટ્રાન્ઝિટ કાર્ગો બમણો થઈને વર્ષ 2024માં 2.74 કરોડ ટન પર પહોંચ્યો હતો. આ નવા રૂટના કારણે દેશને આશા છે કે વર્ષ 2026 સુધીમાં આ ક્ષમતા વધીને 5.4 કરોડ ટન અને 2029 સુધીમાં 6.7 કરોડ ટન થઈ જશે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં વૈશ્વિક બિઝનેસ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો:RCB vs GT: આ 4 કારણોએ ક્વોલિફાયર-1 નો ઉત્સાહ વધાર્યો!