યુદ્ધ અને હુમલાઓ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં એક બ્રિટિશ તરવૈયાએ પોતાનો જીવ જોખમમાં મૂકીને 15 કિલોમીટર સુધી દરિયામાં તરવાની હિંમત કરી છે. તેમનું નામ લુઈસ પ્યુ છે. 56 વર્ષીય પ્યુએ ઓમાનના દરિયાકિનારા નજીક ત્રણ દિવસ સુધી તરવાની સફર કરી હતી.
તેમનો હેતુ યુદ્ધને કારણે દરિયા અને તેમાં રહેતા જીવજંતુઓને થઈ રહેલા નુકસાન તરફ દુનિયાનું ધ્યાન દોરવાનો હતો. લુઈસ પ્યુ સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણ કાર્યક્રમ (UNEP) સાથે જોડાયેલા છે.
તેઓ લાંબા સમયથી સમુદ્ર અને પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ સ્થળોએ તરવાની ઝુંબેશ ચલાવી રહ્યા છે. આ પહેલાં તેઓ ઉત્તર ધ્રુવ, એન્ટાર્કટિકા, લાલ સમુદ્ર અને ઇંગ્લિશ ચેનલમાં પણ તરવાનું સાહસ કરી ચૂક્યા છે.
પ્યુનું આ અભિયાન ઘણું જોખમી રહ્યું હતું. તેમણે જણાવ્યું કે પાણીમાં ઉતર્યાના લગભગ 30 મિનિટ બાદ તેમનાથી થોડા કિલોમીટર દૂર એક ઓઇલ ટેન્કર પર હુમલો થયો હતો. વિસ્ફોટને કારણે દરિયાનું પાણી હલી ઊઠ્યું હતું.
તેમણે આકાશમાં લડાકુ વિમાનો પણ જોયાં હતાં. આ ઘટના બાદ તેમને લાગ્યું કે તાત્કાલિક પાણીમાંથી બહાર નીકળી જવું જોઈએ. તેમ છતાં તેમણે તરવાનું ચાલુ રાખ્યું હતું.
આગામી દિવસોમાં તેમણે એક ગેસ જહાજ પર પણ હુમલો થતો જોયો હતો. જહાજમાં આગ લાગી ગઈ હતી અને તેની આસપાસનું પાણી પણ સળગતું દેખાતું હતું. પ્યુએ જણાવ્યું કે જહાજમાંથી નીકળતી આગની જ્વાળાઓ મોટા અગનગોળા જેવી દેખાતી હતી. તેમણે ચિંતા વ્યક્ત કરી કે આવા હુમલાઓથી દરિયાઈ પર્યાવરણને ભારે નુકસાન થઈ શકે છે.
https://x.com/LewisPugh/status/2124154000505188751?a=6RNm14DPYuIZ03-ZE5I&s=20
દરિયાઈ જીવો પર હુમલાઓની અસર
લુઈસ પ્યુએ ત્રણ દિવસમાં કુલ 15 કિલોમીટર એટલે કે લગભગ 9.3 માઇલ સુધી તરવાનું સાહસ કર્યું હતું. તેમણે ઓમાનના મુસંદમ દ્વીપકલ્પથી શરૂઆત કરી હતી અને કેપ ઑફ હોર્મુઝના એક ભાગનો ચક્કર લગાવ્યો હતો. હોર્મુઝ સ્ટ્રેટનો સૌથી સાંકડો ભાગ લગભગ 39 કિલોમીટર પહોળો છે. તેની બીજી તરફ ઈરાન આવેલું છે.
પ્યુએ જણાવ્યું કે હોર્મુઝ માત્ર તેલ અને ગેસની હેરફેર માટેનો દરિયાઈ માર્ગ નથી. અહીં ડોલ્ફિન, દરિયાઈ કાચબા અને ડુગોંગ જેવા અનેક દરિયાઈ જીવો વસે છે. આ વિસ્તારમાં પરવાળાની ખડક રચનાઓ અને મેન્ગ્રોવનાં જંગલો પણ આવેલાં છે.
તેમના મતે, જહાજો પર થતા હુમલાઓને કારણે તેલ અને કેમિકલ દરિયામાં ફેલાઈ શકે છે. જેના કારણે દરિયાઈ જીવો અને દરિયાકાંઠાના વિસ્તારોને લાંબા સમય સુધી નુકસાન થઈ શકે છે. આ નુકસાનની ભરપાઈ કરવામાં અનેક દાયકાઓ લાગી શકે છે.
ફેબ્રુઆરીથી વધ્યો છે તણાવ
ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઇઝરાયેલના હુમલાઓ બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર અટકાવી દીધી હતી અને આ માર્ગ પરથી પસાર થતાં જહાજોને નિશાન બનાવ્યાં હતાં. જેના કારણે આ દરિયાઈ માર્ગ યુદ્ધનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની ગયો હતો.
લુઈસ પ્યુએ દુનિયાને યુદ્ધ રોકવા, હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા અને દરિયામાં ફેલાયેલા પ્રદૂષણની સફાઈ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે યુદ્ધમાં માત્ર માનવજીવન જ નહીં, પરંતુ પ્રકૃતિને થઈ રહેલા નુકસાન પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
આ પણ વાંચો:Maysaa Movie: રિલીઝ પહેલાં જ રશ્મિકાની ‘માયસા’ ફસાઈ! 27 નવેમ્બરે નહીં આવે ફિલ્મ?