પશ્ચિમ એશિયામાં તણાવ ફરી એક વખત વધતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા સીઝફાયર બાદ માત્ર 24 કલાકમાં જ ઈરાને ફરીથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની જાહેરાત કરી છે. અહેવાલો અનુસાર, લેબનાન પર ઈઝરાયલી હુમલાઓ ચાલુ રહેતા ઈરાને આ નિર્ણય લીધો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનો માહોલ સર્જાયો છે.
સીઝફાયરનું થયું ઉલ્લંઘન
અમુક કલાકો પહેલા જ ઈરાન, ઈઝરાયેલ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સીઝફાયર પર સહમતિ થઈ હતી. ઈરાને પણ શરૂઆતમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની મંજૂરી આપી હતી, જેને પગલે વૈશ્વિક બજારોમાં સ્થિરતા જોવા મળી હતી. પરંતુ હાલની પરિસ્થિતિએ ફરી અનિશ્ચિતતા ઊભી કરી છે. આ વિવાદનો મુખ્ય મુદ્દો લેબનાન સાથે સંકળાયેલો છે. 28 ફેબ્રુઆરીએ ઈરાન પર થયેલા હુમલા બાદ શરૂ થયેલા સંઘર્ષમાં હિઝ્બુલ્લાહએ ઈરાનના સમર્થનમાં ઈઝરાયેલ પર હુમલા કર્યા હતા. તેના જવાબમાં ઈઝરાયેલે લેબનાનમાં સૈનિક કાર્યવાહી શરૂ કરી અને જમીનસ્તર પર પણ અભિયાન તેજ બનાવ્યું.
