હોર્મુઝની સામુદ્રધુનીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર સશસ્ત્ર સંઘર્ષ તેજ બન્યો છે. આ બે દેશોની દુશ્મનીમાં હવે પાકિસ્તાન ખરાબ રીતે ફસાઈ ગયું છે. અમેરિકાએ તાજેતરમાં જપ્ત કરેલા એક ઈરાની જહાજમાં 11 પાકિસ્તાની નાગરિકો સવાર છે, જેમને છોડાવવા માટે પાકિસ્તાન સરકાર હવે અન્ય દેશોના પગે પડી રહી છે.

સિંગાપોર પાસે માંગી મદદ

જપ્ત કરવામાં આવેલું આ ઈરાની જહાજ હાલમાં સિંગાપોરના દરિયાઈ ક્ષેત્રની આસપાસ હોવાનું મનાય છે. આ જહાજમાં 11 પાકિસ્તાની અને 20 ઈરાની ક્રૂ મેમ્બર્સ સવાર છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડારે સિંગાપોરના વિદેશ મંત્રી વિવિયન બાલકૃષ્ણન સાથે ફોન પર વાતચીત કરી છે. પાકિસ્તાને વિનંતી કરી છે કે માનવીય ધોરણે તેના નાગરિકોની સુરક્ષિત સ્વદેશ વાપસી માટે સિંગાપોર મધ્યસ્થી કરે. આ ઉપરાંત, પાકિસ્તાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી સાથે પણ સતત સંપર્કમાં છે.

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામનો અંત?

ગત 8 એપ્રિલથી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ જેવી સ્થિતિ હતી, પરંતુ ગુરુવારે તે તૂટી ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે જ્યારે તેમના ત્રણ યુદ્ધજહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઈરાને તેમના પર ફાયરિંગ કર્યું હતું. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "તેમણે અમારી સાથે છેડછાડ કરી અને અમે તેમને કરારો જવાબ આપ્યો." બીજી તરફ, ઈરાને અમેરિકા પર આરોપ લગાવ્યો છે કે અમેરિકી દળોએ ઈરાની તેલ ટેન્કર અને નાગરિક વિસ્તારો પર હુમલો કર્યો છે.

પાકિસ્તાનની બેવડી ચિંતા

પાકિસ્તાન માટે સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી છે. એકતરફ તેના નાગરિકો અમેરિકાના કબજા હેઠળના જહાજમાં કેદ છે, તો બીજી તરફ તે ઈરાન સાથે પણ સંબંધો જાળવી રાખવા માંગે છે. ઈશાક ડારે જણાવ્યું છે કે જો જરૂર પડશે તો પાકિસ્તાન ઈરાની નાગરિકોને પાકિસ્તાન મારફતે સુરક્ષિત રીતે ઈરાન પહોંચાડવા માટે પણ તૈયાર છે. હાલમાં પાકિસ્તાનનું વિદેશ કાર્યાલય અમેરિકી અધિકારીઓ સાથે સતત સંપર્ક કરી રહ્યું છે જેથી ગમે તેમ કરીને તેમના લોકો વહેલી તકે ઘરે પરત ફરી શકે.