પાકિસ્તાનના હૈદરાબાદમાં એક ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા જોરદાર વિસ્ફોટના કારણે ઓછામાં ઓછા 6 લોકોના કરૂણ મોત થયા છે અને અન્ય 23 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, લતિફાબાદ પોલીસ સ્ટેશનની બી-સેક્શનની હદમાં લઘારી ગોથ નદી કિનારે આવેલી આ ફેક્ટરીમાં આ વિસ્ફોટ થયો હતો, જેના પગલે ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ ફેક્ટરી એક ઘરમાં કોઈપણ પ્રકારના લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હતી.


ઘાયલોની ગંભીર હાલત અને તબીબી સહાય

વિસ્ફોટ બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક લિયાકત યુનિવર્સિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે બર્ન વોર્ડમાં 1 મૃતદેહ લાવવામાં આવ્યો હતો, જ્યારે દાઝી ગયેલા 6 ઘાયલોને અહીં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર બાબત એ છે કે, ઘાયલોમાંથી 2 વ્યક્તિઓના શરીર પર લગભગ 100 ટકા જેટલા ગંભીર દાઝવાના ઘા છે, જેના કારણે તેમની હાલત અત્યંત નાજુક છે. મેડિકો-લીગલ ઓફિસરના મતે, પોસ્ટમોર્ટમ માટે 2 અજાણ્યા પુરુષોના મૃતદેહ પણ લાવવામાં આવ્યા હતા.

પોલીસ તપાસ અને ગૃહમંત્રીનો આદેશ

આ ઘટનાની જાણ થતાં જ ફાયર અને રેસ્ક્યુ ટીમ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને બચાવ તથા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. લતિફાબાદના સહાયક કમિશનરે જણાવ્યું કે, તેઓ પોતે રાહત કાર્યની દેખરેખ રાખી રહ્યા છે. હૈદરાબાદના એસએસપી અદીલ ચંડિયોએ કહ્યું કે, ફેક્ટરીના માલિકની ઓળખ કરવા માટે પોલીસ કામ કરી રહી છે. સિંધના ગૃહમંત્રી જીયાઉલ હસન લાંજરે આ ઘટનાની ગંભીર નોંધ લઈને તાત્કાલિક વિસ્તૃત અહેવાલ (રિપોર્ટ) રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

પાકિસ્તાનના હૈદરાબાદમાં ગેરકાયદે આતિશબાજી ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 6 ના મોત, 23 લોકો ઘાયલ




  • Follow us on: