યમનના હુતી બળવાખોરોએ સાઉદી અરેબિયાના વિવિધ વિસ્તારોમાં આવેલી મહત્વપૂર્ણ તેલ સુવિધાઓ, રિફાઇનરીઓ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ અને એરબેઝ પર શ્રેણીબદ્ધ હુમલાઓ કરવાનો દાવો કર્યો છે. જોકે, આ હુમલાઓ વચ્ચે હુતીઓએ સ્પષ્ટતા કરી છે કે તેઓએ મુસ્લિમોના પવિત્ર સ્થળો મક્કા અને મદીના પર કોઈ હુમલો કર્યો નથી. બીજી તરફ, સાઉદી આર્મીના નેતૃત્વ હેઠળના ગઠબંધન દળોએ હવામાં જ બે બેલિસ્ટિક મિસાઇલોને તોડી પાડી હોવાના અહેવાલ છે.
તેલ સુવિધાઓ અને લશ્કરી મથકો પર હુમલાનો દાવો
હુથી લશ્કરી પ્રવક્તા યાહ્યા સરીના જણાવ્યા અનુસાર, હુથી જૂથે સાઉદી અરેબિયાની પૂર્વ-પશ્ચિમ પાઇપલાઇન, ક્રૂડ ઓઇલ પમ્પિંગ સ્ટેશન, યાનબુમાં આવેલી સાઉદી અરામકોની સુવિધા તેમજ રબીઘ તેલ રિફાઇનરી પર હુમલા કર્યા છે. આ ઉપરાંત, રિયાધ સ્થિત કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, દમ્મામનું કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, નજરાન એરપોર્ટ અને ખામિસ મુશૈતમાં આવેલા સૈન્ય એરબેઝને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.
સાઉદી સિવિલ ડિફેન્સના અહેવાલ મુજબ, મિસાઇલો મક્કા અને મદીના તરફ છોડવામાં આવી હતી, પરંતુ તેમને અટકાવવામાં આવ્યા બાદ મિસાઇલનો કાટમાળ મક્કાના વાદી અલ-મુઘમ્મસ સહિતના આસપાસના વિસ્તારોમાં પડ્યો હતો.
અરામકો અને ઉર્જા ક્ષેત્ર પર વધતું જોખમ
સાઉદી અરેબિયાની ઉર્જા સુવિધાઓ પર હુમલાની ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહી છે. અગાઉ ઓક્ટોબર મહિનાના મધ્યમાં ધહરાનમાં આવેલા સાઉદી અરામકોના મુખ્ય મથક સંકુલમાં આગ લાગી હતી. સાઉદી ઉર્જા મંત્રાલયે આ ઘટનાને મર્યાદિત ગણાવીને કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સ્પષ્ટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ધહરાન સંકુલ એ અરામકોનું મુખ્ય સંચાલન કેન્દ્ર છે, જ્યાંથી દેશના તેલના કુવાઓ, રિફાઇનરીઓ અને પાઇપલાઇન્સનું સુપરવિઝન થાય છે. આ ઘટના બાદ પણ હુથીઓએ ધહરાન અને રિયાધની રિફાઇનરીઓ પર હુમલાનો દાવો કર્યો હતો.
એરપોર્ટ્સ પર હુમલા અને હવાઈ સલામતી સામે સવાલો
સાઉદી અરેબિયાના એરપોર્ટ્સ પર પણ હુથીઓ દ્વારા અગાઉ ઘાતક હુમલા કરવામાં આવ્યા છે. રિયાધ અને દમ્મામના એરપોર્ટ્સ પર થયેલા હુમલામાં મોટી સંખ્યામાં લોકો અસરગ્રસ્ત થયા હતા. દમ્મામ એરપોર્ટ પર થયેલા હુમલામાં એક સાઉદી નાગરિક અને એક ભારતીય નાગરિકનું મૃત્યુ થયું હતું, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.
વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને, હુથી બળવાખોરોએ વિવિધ આંતરરાષ્ટ્રીય એરલાઇન્સને સાઉદી અરેબિયાના એરસ્પેસ (હવાઈ માર્ગ)નો ઉપયોગ ન કરવા માટે કડક ચેતવણી પણ આપી છે, જેના કારણે પ્રદેશમાં વિમાન વ્યવહાર પર જોખમ વધી ગયું છે.
આ પણ વાંચોઃ Donald Trumpની વિદેશ નીતિ અમેરિકાના લોકોને જ મોંઘી પડી! અમેરિકામાં પેટ્રોલ અને કરિયાણાના ભાવ ભડકે બળ્યા