પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી 'પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ' (PTI) એ તેમની મુક્તિની માંગણી માટે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો અને ઈસ્લામાબાદ તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. આ કૂચને રોકવા માટે, વહીવટીતંત્રે રાજધાની ઈસ્લામાબાદમાં કડક સુરક્ષા વ્યવસ્થા લાગુ કરી છે અને શહેરને લગભગ સંપૂર્ણપણે સીલ કરી દીધું છે.
સત્તાવાળાઓએ રાજધાની તરફ જતા તમામ મુખ્ય માર્ગોને અવરોધવા માટે 1000થી વધુ શિપિંગ કન્ટેનર તૈનાત કર્યા છે. જેમાંથી ઘણામાં તીક્ષ્ણ ખીલા (સ્પાઇક્સ) લગાવવામાં આવ્યા છે. પુલ પર રેતીની થેલીઓ મૂકવામાં આવી છે અને શહેરમાં પ્રવેશતા મુખ્ય હાઈવેને અવરોધવામાં આવ્યા છે. રાજધાનીમાં જાહેર સભાઓ અને ભીડ એકત્ર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સમગ્ર શહેરમાં 22000 પોલીસ અને સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
જનતા અને વેપારી વર્ગ માટે મુશ્કેલી
સરકારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પણ સુરક્ષા દળો તૈનાત કર્યા છે અને પ્રાંતીય રાજધાની પેશાવરને ઈસ્લામાબાદ સાથે જોડતા મુખ્ય હાઈવેને બંધ કરી દીધો છે. આ કડક પ્રતિબંધો અને નાકાબંધીને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દૈનિક જીવનની આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠામાં વિક્ષેપને કારણે વેપારીઓ અને સામાન્ય નાગરિકો ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
ઈમરાન ખાનની મુક્તિની માંગ
આ વિરોધ પ્રદર્શનો ઈમરાન ખાનની મુક્તિની માંગ કરવા માટે યોજવામાં આવી રહ્યા છે, જેઓ ઓગસ્ટ 2023થી અનેક કેસોમાં દોષિત ઠર્યા બાદ જેલમાં બંધ છે. તેમની પાર્ટી અને સમર્થકોનો આરોપ છે કે જેલમાં તેમની સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવતો નથી, જેના કારણે તેમની ચિંતા સતત વધી રહી છે.
શુક્રવારે, PTI એ જાહેરાત કરી હતી કે આ કૂચ હવે 27 સપ્ટેમ્બરને બદલે 4 ઓક્ટોબરથી શરૂ થશે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે તારીખ એક અઠવાડિયું મોકૂફ રાખવાથી સરકાર પર રાજકીય દબાણ વધુ વધશે.
ઈમરાન ખાનની ત્રણેય બહેનોની અટકાયત
પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનના થોડા સમય પહેલા જ ઈમરાન ખાનના પરિવાર પર પણ કાયદાકીય ગાળિયો કસાયો છે. સૌપ્રથમ તેમની બહેન અલીમા ખાનની અટકાયત કરવામાં આવી હતી, ત્યારબાદ ઉઝમા ખાન અને નૌરીન નિયાઝીની પણ અટકાયત કરવામાં આવી હતી. 'પંજાબ મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર ઓર્ડિનન્સ' હેઠળ ત્રણેય બહેનોની 30 દિવસ માટે અટકાયત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Viral Video: રાંચીમાં વાંદરીએ કર્યો કાંડ! પહેલા દુકાનમાં જઈ પીધો દારૂ અને પછી થઈ ગઈ ટલ્લી