જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની બહેન હવે મુશ્કેલીનો સામનો કરી રહી છે. રાવલપિંડીની એક આતંકવાદ વિરોધી અદાલત (ATC)એ સોમવારે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના સ્થાપક ઇમરાન ખાનની બહેન અલીમા ખાનની ધરપકડનો આદેશ આપ્યો છે.
22 ઓક્ટોબરે કોર્ટમાં રજૂ કરવાનો આપ્યો આદેશ
કોર્ટે પોલીસને 22 ઓક્ટોબરે તેણીને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસ ગયા વર્ષે 26 નવેમ્બરના રોજ પીટીઆઈ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન સાથે સંબંધિત છે. કોર્ટમાંથી વારંવાર ગેરહાજર રહેવાને કારણે એટીસીના ન્યાયાધીશ અમજદ અલી શાહે અલીમા વિરુદ્ધ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું હતું.
અલીમા ખાન પર આવી મુશ્કેલી
આ કેસ ગયા વર્ષે 26 નવેમ્બરના રોજ પીટીઆઈ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનો સાથે સંબંધિત છે. 26 નવેમ્બરના પીટીઆઈ વિરોધ પ્રદર્શન સંબંધિત સાદિકબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં અલીમા સહિત 10 આરોપીઓ સામે આરોપો ઘડવામાં આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. કોર્ટે અલીમા ખાન તેમજ 9 અન્ય આરોપીઓ - સાજિદ કુરેશી, આતિફ રિયાઝ, ફહીમ રઝાક, અદાલત ખાન કુરેશી, મુરસલીન કિયાની, તૈયબ અબ્બાસ શાહ, ઉમર શાહ મોહમ્મદ હનીફ અને અલી રઝા સામે આરોપો ઘડ્યા હતા.
સોમવારે થયેલી સુનાવણીમાં કેસમાં નામ આપવામાં આવેલા અન્ય 10 આરોપીઓ કોર્ટમાં હાજર થયા અને 5 ફરિયાદ પક્ષના સાક્ષીઓએ તેમના નિવેદનો નોંધ્યા. રાવલપિંડી એટીસીએ અલીમાના જામીનદાર ઉમર શરીફ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ પણ ઈસ્યુ કર્યું હતું અને રાવલપિંડી ડેપ્યુટી કમિશનરને તેમના દ્વારા રજૂ કરાયેલા મિલકત દસ્તાવેજોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
કયા કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી?
26 નવેમ્બર, 2024ના રોજ થયેલા વિરોધ પ્રદર્શનનો હેતુ સરકાર પર ઈમરાન ખાનને મુક્ત કરવા માટે દબાણ લાવવાનો હતો. પક્ષના સમર્થકો અને નેતાઓએ તેમની મુક્તિની માગણી સાથે પેશાવરથી ઈસ્લામાબાદ સુધી કૂચ કરી હતી. આ કૂચનું નેતૃત્વ ઈમરાનની પત્ની બુશરા બીબી અને ખૈબર પખ્તુનખ્વાના તત્કાલીન મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુરે કર્યું હતું. 3 દિવસનું વિરોધ પ્રદર્શન અચાનક બંધ થઈ ગયું, જ્યારે પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણો થઈ. ત્યારબાદ રાવલપિંડી અને સંઘીય રાજધાનીના વિવિધ પોલીસ સ્ટેશનોમાં આતંકવાદ, રમખાણો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપસર ડઝનબંધ કેસ નોંધાયા. આ કેસોમાં ઈમરાન ખાન, બુશરા બીબી, અલી અમીન ગંડાપુર, ઓમર અયુબ અને અન્ય નેતાઓનો સમાવેશ થાય છે. આ અથડામણમાં ઓછામાં ઓછા ત્રણ રેન્જર્સ કર્મચારીઓ અને એક પોલીસકર્મીનું મોત થયું હતું.
ઈમરાન ખાન જેલમાં છે બંધ
71 વર્ષીય પૂર્વ ક્રિકેટર અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ઓગસ્ટ 2023થી જેલમાં છે. તેમના પર ભ્રષ્ટાચારથી લઈને આતંકવાદ સુધીના અનેક આરોપો છે. એપ્રિલ 2022માં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા તેમને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા.