અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી તણાવ અને નિવેદનબાજીની વચ્ચે, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સના એ દાવાને નકારી કાઢતા કે "અમેરિકા ઇઝરાયલનું એકમાત્ર શક્તિશાળી સાથી છે," નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે ભારત જેવા ઘણા દેશો ઇઝરાયલના મજબૂત સમર્થકો છે.
નેતન્યાહૂએ ઇન્ટરવ્યુ દરમિયાન કરી ભારતની કરી પ્રશંસા
તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે, તેઓ જે.ડી. વાન્સનો આદર કરે છે, પરંતુ તેમની દરેક વાત સાથે સહમત થવું જરૂરી નથી. તેમણે ખાસ કરીને ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 1.4 અબજની વસ્તી ધરાવતું ભારત ઇઝરાયલને "જબરદસ્ત" સમર્થન આપે છે. નેતન્યાહૂએ ગર્વ સાથે જણાવ્યું હતું કે તેમને ભારત તરફથી સતત પ્રોત્સાહન મળે છે, જે તેમના ફેસબુક પેજ અને અન્ય માધ્યમો પર પણ સ્પષ્ટ દેખાય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે વિશ્વમાં ઇઝરાયલને એકલું પાડી શકાય તેમ નથી, કારણ કે તેમની પાસે મિત્ર રાષ્ટ્રોનું વિશાળ વર્તુળ છે.
ટેકનોલોજી અને વૈશ્વિક સંબંધો
નેતન્યાહૂએ વધુમાં ઉમેર્યું કે, ઘણા દેશોના નેતાઓ ખાનગીમાં ઇઝરાયલની કુશળતાનો આદર કરે છે. તેઓ ઘણીવાર ઇઝરાયલ પાસે લશ્કરી તકનીક, સાયબર સુરક્ષા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે સહયોગ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ઇઝરાયલ આજે વિશ્વમાં સાયબર સુરક્ષાના ક્ષેત્રે અગ્રેસર છે અને તેમની ટેકનોલોજી વૈશ્વિક સ્તરે માંગમાં છે. આ બાબતો સાબિત કરે છે કે ઇઝરાયલ માત્ર અમેરિકા પર નિર્ભર નથી, પરંતુ વૈશ્વિક મંચ પર પણ મજબૂત મિત્રતા ધરાવે છે.
જે.ડી. વાન્સના નિવેદનો
બીજી તરફ, જે.ડી. વાન્સે ઇઝરાયલની સુરક્ષા વ્યૂહરચના અને અમેરિકા-ઈરાન સંબંધો અંગે ટિપ્પણી કરી હતી. તેમણે ઇઝરાયલી નેતૃત્વને ચેતવણી આપતા કહ્યું હતું કે, ઇઝરાયલે તેમના સૌથી શક્તિશાળી સાથી (અમેરિકા)ની જાહેર ટીકા કરવાનું ટાળવું જોઈએ. વાન્સે ઇઝરાયલની યુદ્ધનીતિ પર પણ સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે માત્ર હિંસા કે હત્યાથી રાષ્ટ્રીય સુરક્ષાના પ્રશ્નો ઉકેલી શકાતા નથી.
આ પણ વાંચોઃ સવારના સમયમાં ચંદ્ર પર આકાશ કેમ રહે છે કાળું? રહસ્ય જાણીને ચોંકી જશો