અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં પોતાના બીજા કાર્યકાળના પ્રથમ સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને મોટો ખુલાસો કર્યો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે જો તેમણે સમયસર હસ્તક્ષેપ ન કર્યો હોત, તો પાકિસ્તાનના PM Shehbaz Sharif જીવતા ન હોત.

ટ્રમ્પનો મોટો દાવો

ટ્રમ્પના કહેવા મુજબ, ભારત દ્વારા હાથ ધરાયેલા “ઓપરેશન સિંદૂર” દરમિયાન પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા હતી. તેમણે જણાવ્યું કે આ સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનને ભારે નુકસાન થવાની ભીતિ હતી અને અંદાજે 35 મિલિયન લોકોના જીવ જોખમમાં હતા.

અમેરિકા દ્વારા હસ્તક્ષેપ

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું કે પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે તેમને વ્યક્તિગત રીતે કહ્યું હતું કે જો અમેરિકા દ્વારા હસ્તક્ષેપ ન થયો હોત, તો આ વિનાશક પરિણામ ટાળવું શક્ય ન બનતું. ટ્રમ્પે દાવો કર્યો કે તેમની મધ્યસ્થીથી બંને દેશો વચ્ચે વધતું તણાવ શાંત થયું અને મોટું યુદ્ધ ટળી ગયું.

 રાજકીય જીવનના સૌથી મહત્વપૂર્ણ કૂટનીતિક

આ નિવેદનથી એ પણ સ્પષ્ટ થાય છે કે મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી ચાલેલા લશ્કરી સંઘર્ષમાં પાકિસ્તાન પાછળ પડી ગયું હતું. ટ્રમ્પે આ સમયગાળાને પોતાના રાજકીય જીવનના સૌથી મહત્વપૂર્ણ કૂટનીતિક સફળતાઓમાંનું એક ગણાવ્યું.

વિશ્વભરમાં કુલ આઠ મોટા સંઘર્ષો

ટ્રમ્પે માત્ર ભારત–પાકિસ્તાન જ નહીં, પરંતુ વિશ્વભરમાં કુલ આઠ મોટા સંઘર્ષો અટકાવ્યાનો પણ દાવો કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, તેમણે ઇઝરાયલ અને હમાસ, ઇઝરાયલ અને ઈરાન, ઇજિપ્ત અને ઇથોપિયા, સર્બિયા અને કોસોવો, રવાન્ડા અને કોંગો, આર્મેનિયા અને અઝરબૈજાન, તેમજ કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચેના સંઘર્ષોમાં પણ શાંતિ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

 દાવાઓ કોઈ રાજકીય મજાક નથી

ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે આ દાવાઓ કોઈ રાજકીય મજાક નથી, પરંતુ હકીકત છે. તેમણે ઉમેર્યું કે જો સમયસર કૂટનીતિક પ્રયાસો ન થયા હોત, તો વિશ્વ એક મોટા વિનાશ તરફ ધકેલાઈ શકે તેમ હતું. આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હંમેશા સંવેદનશીલ રહ્યા છે અને ટ્રમ્પનો આ દાવો ભવિષ્યમાં કૂટનીતિક ચર્ચાઓને નવી દિશા આપી શકે છે.

આ પણ વાંચો : Trump Tariff Attack: ટ્રમ્પનો ફરી ટેરિફ હુમલો, 126% નો ટેરિફ બોમ્બ ફોડ્યો