ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં થયેલી ઐતિહાસિક સિંધુ જળ સંધિ (Indus Waters Treaty)ને લઈને પાકિસ્તાનની અંદર મચેલો ફફડાટ હવે વૈશ્વિક મંચ પર ખુલ્લેઆમ દેખાઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભીષણ આતંકવાદી હુમલા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આ સંધિને સ્થગિત (In Abeyance) કરવાનો કડક નિર્ણય લીધો હતો. ભારતના આ એક જ આકરા પ્રહારથી પાકિસ્તાનની કૃષિ આધારિત અર્થવ્યવસ્થા અને વીજળી ઉત્પાદન સંકટમાં મુકાઈ ગયા છે. હવે પાણી વિના ટળવળતા પાકિસ્તાનના મંત્રીઓથી લઈને સાંસદો સુધીના તમામ નેતાઓ દુનિયા સામે આ સંધિ બચાવવા માટે કરગરી રહ્યા છે.
ઇસ્લામાબાદમાં આંતરરાષ્ટ્રીય સંમેલનનો સહારો
ભારતના એકતરફી નિર્ણય સામે વૈશ્વિક સમર્થન મેળવવા માટે પાકિસ્તાને ઇસ્લામાબાદમાં સિંધુ જળ સંધિ પર એક પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું છે. આ કોન્ફરન્સમાં પાકિસ્તાનના મંત્રીઓ અને સંસદો,વિદેશ મંત્રી ઇશાક ડાર, પીપીપી ચીફ બિલાવલ ભુટ્ટો ઝરદારી સહિતના દિગ્ગજ નેતાઓ અને આંતરરાષ્ટ્રીય કાયદાના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. આ મંચ પરથી પાકિસ્તાને ફરી એકવાર ગીદડભભકી આપવાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાની વિદેશ મંત્રી ઇશાક ડારે ચેતવણી આપતા જણાવ્યું કે, "વહેંચાયેલા જળ સંસાધનોને ક્યારેય હથિયાર ન બનાવવું જોઈએ. જો પાકિસ્તાનના જળ અધિકારો સાથે સમાધાન થશે, તો તેની ગંભીર અસર સમગ્ર દક્ષિણ એશિયાની શાંતિ અને આ પ્રદેશના 2 અબજ લોકો પર પડશે."
