ફેન્ટાનાઇલ કટોકટી સામે યુનાઇટેડ સ્ટેટ્સને એક મોટી સફળતા મળી છે અને આ સફળતામાં ભારતની ભૂમિકા ખાસ નોંધપાત્ર રહી છે. 4 ફેબ્રુઆરી, 2026ના રોજ યુએસ ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (DEA) એ જાહેરાત કરી કે DEA ઓપરેશન મેલ્ટડાઉન અંતર્ગત 200થી વધુ ગેરકાયદેસર ઓનલાઈન ફાર્મસી ડોમેન જપ્ત કરવામાં આવ્યા છે.


આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્ક

આ તમામ ડોમેન એવા આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્ક સાથે જોડાયેલા હતા, જે ભારતમાં બેઠા બેઠા અમેરિકા સુધી નકલી દવાઓ પહોંચાડી રહ્યા હતા. DEA મુજબ, આ નેટવર્કને અમેરિકામાં થયેલા ઓછામાં ઓછા 6 મૃત્યુ અને 4 બિન-ઘાતક ઓવરડોઝ સાથે સીધો સંબંધ છે.

શું છે DEA ઓપરેશન મેલ્ટડાઉન?

DEAના રોકી માઉન્ટેન ફિલ્ડ ડિવિઝન દ્વારા 2022થી આ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં ખુલ્યું કે તસ્કરો પેઇનકિલર્સ અને પ્રિસ્ક્રિપ્શન દવાઓના નામે નકલી ગોળીઓ ઓનલાઈન વેચી રહ્યા હતા. બહારથી સંપૂર્ણ કાયદેસર લાગતી આ ગોળીઓમાં અંદરથી ઘાતક ફેન્ટાનાઇલ ભેળવેલું હતું. DEAએ સ્પષ્ટ કહ્યું કે આ કાર્યવાહી માત્ર આરોપીઓની ધરપકડ માટે નહોતી, પરંતુ સંપૂર્ણ ડિજિટલ ડ્રગ નેટવર્કને તોડી પાડવાનો પ્રયાસ હતો.

ઓનલાઇન નકલી દવાઓ – તસ્કરોનું નવું હથિયાર

આજના સમયમાં ડ્રગ્સની હેરફેર માત્ર રસ્તાની બાજુ સુધી મર્યાદિત રહી નથી. હવે ગુનેગારો નકલી વેબસાઇટ્સ, સોશિયલ મીડિયા અને ડાર્કનેટ મારફતે સીધા અમેરિકન નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. ફેન્ટાનાઇલ એટલું શક્તિશાળી છે કે એક જ ગોળી જીવ લઈ શકે છે, જેના કારણે ઓનલાઈન નકલી દવાઓ અમેરિકામાં સૌથી મોટો ખતરો બની ગઈ છે.

આ લડાઈમાં ભારત કેમ મહત્વપૂર્ણ બન્યું?

DEAની પ્રેસ રિલીઝમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ સમગ્ર ઓપરેશનમાં ભારતીય સરકારી એજન્સીઓનો સહયોગ નિર્ણાયક રહ્યો. DEAએ સ્વીકાર્યું કે ભારત જેવા દેશોના સહયોગ વગર આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કને રોકવું અશક્ય છે. ભારતમાં ડ્રગ્સ સામેની લડાઈ હવે ફક્ત જપ્તી સુધી સીમિત નથી. નાર્કો કોઓર્ડિનેશન સેન્ટર (NCORD) હેઠળ વિવિધ એજન્સીઓ મળીને સમગ્ર સપ્લાય ચેઇનને તોડવા પર કામ કરી રહી છે – જેમાં ઉત્પાદન, પરિવહન અને ઓનલાઈન વેચાણ ત્રણેય શામેલ છે.

ભયાનક આંકડા અને બદલાતી તસ્કરી

જોકે 2024માં યુએસમાં ઓવરડોઝથી થતા મૃત્યુમાં ઘટાડો થયો હતો, છતાં પણ લગભગ 80,000 લોકોના મોત થયા હતા. તેમાં મોટાભાગે ફેન્ટાનાઇલ જેવા કૃત્રિમ ઓપીઓઇડ્સ જવાબદાર હતા. જેમ જેમ અમેરિકા પોતાના દેશની અંદર કડક કાર્યવાહી કરે છે, તેમ તેમ તસ્કરો હવે આંતરરાષ્ટ્રીય અને ડિજિટલ માર્ગો અપનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારત–અમેરિકા સહયોગ ભવિષ્યમાં વધુ મહત્વપૂર્ણ બનશે.

આ પણ વાંચો : Russia : મોસ્કોમાં રશિયાના ડેપ્યુટી ડિફેન્સ મિનિસ્ટર પર ગોળીબાર


  • Follow us on: