વિદેશ મંત્રી એસ.જયશંકર અને અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોની મુલાકાત આજે ન્યૂયોર્કમાં થશે. અમેરિકી એડવાઇઝરી પ્રમાણે આ બેઠક ભારતીય સમયઅનુસાર રાત્રિના 8.30 કલાકે થશે. આ મુલાકાત ટ્રમ્પ દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ બંને દેશો તરફથી અધિકારીઓ વચ્ચે પહેલી સીધી વાતચીત થશે. જેમાં વેપાર, રણનીતિક સહયોગ અને વૈશ્વિક મુદ્દા પર ચર્ચા થવાની આશા છે.
ભારત-અમેરિકા સંબંધોમાં ઘણાં ઊતાર-ચઢાવ રહ્યા
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યૂએનજીએ)ની ગતિવિધિઓ વચ્ચે ભારત અને અમેરિકાના ટોચના અધિકારીઓ આજે આમને સામને બેઠક કરવા જઈ રહ્યા છે. અમેરિકી એડવાઈઝરી મુજબ વિદેશ મંત્રી એસ. જયશંકર અને અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો વચ્ચે આ બેઠક ન્યુયોર્કમાં ભારતીય સમય પ્રમાણે રાત્રે લગભગ 8.30 વાગે થશે. છેલ્લા કેટલાય મહિનાઓમાં ભારત-અમેરિકા સંબંધોમાં ઘણાં ઊતાર-ચઢાવ આવ્યા છે, છતાં બંને દેશોએ હંમેશા આ સંબંધોને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે.
ટેરિફ બાદ પહેલી વાર આમને સામને બેઠક
જયશંકર અને રુબિયોની આ બેઠક આવનારા મહીનાઓમાં વેપાર અને કૂટનીતિક સમીકરણો નિર્ધારિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ બેઠક ખાસ એટલા માટે છે કારણ કે ટ્રમ્પ સરકાર દ્વારા ભારત પર 50 ટકાનો ટેરિફ લગાવ્યા બાદ બંને દેશોના ટોચના પ્રતિનિધિઓ વચ્ચે આ પહેલી સીધી વાતચીત છે. આ પગલાંએ બંને દેશો વચ્ચે વેપાર સંતુલનમાં ખલેલ ઉભો કર્યો હતો અને તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. આવા સમયે બંને પક્ષોની કોશિશ રહેશે કે વાતચીતથી ઉકેલ આવે.
આ વર્ષે ત્રીજી મુલાકાત
આ વર્ષે બંને નેતાઓ વચ્ચે આ ત્રીજી સામસામે મુલાકાત છે. જાન્યુઆરીમાં જયશંકરે વોશિંગ્ટનમાં થયેલી પ્રથમ ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન રુબિયોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ જુલાઈમાં વોશિંગ્ટનમાં બીજી ક્વાડ બેઠક દરમિયાન ફરી મુલાકાત થઈ હતી. ત્રીજી અને આજની ચર્ચામાં વેપાર, સુરક્ષા અને વ્યૂહાત્મક સહયોગ પર ભાર મૂકવાનો અંદાજ છે.
વેપાર ચર્ચાની પૃષ્ઠભૂમિ
આજના દિવસે ભારત અને અમેરિકા વચ્ચે અલગથી વેપાર વાર્તાલાપ પણ થઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે જયશંકર-રુબિયોની બેઠક આ ચર્ચાઓને વધુ મજબૂત બનાવી શકે છે. વેપાર વાટાઘાટો, રોકાણ અને ટેરિફ ઘટાડા જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. ભારતએ સ્પષ્ટતા કરી છે કે ટેરિફનો ભાર તેના ઉદ્યોગ અને નિકાસકર્તાઓ પર ભારે પડી રહ્યો છે.










