ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં વચગાળાના ટ્રેડ ફ્રેમવર્કની જાહેરાત કરવામાં આવી, જેનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે વેપાર અને આર્થિક સહકારને વધુ મજબૂત બનાવવાનો છે. પરંતુ આ જાહેરાત દરમિયાન બહાર પડેલા એક નકશાએ રાજદ્વારી સ્તરે ખાસ ધ્યાન ખેંચ્યું. અમેરિકાના US ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજમાં ભારતનો એવો નકશો બતાવવામાં આવ્યો હતો જેમાં સમગ્ર જમ્મુ-કાશ્મીર, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીનને ભારતના પ્રદેશ તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
આ વિસ્તારને “વિવાદિત”
સામાન્ય રીતે, ઘણા આંતરરાષ્ટ્રીય નકશાઓમાં આ વિસ્તારને “વિવાદિત” તરીકે અથવા ડોટેડ લાઇનથી દર્શાવવામાં આવે છે જેથી કોઈ દેશની ભાવનાઓને ઠેસ ન પહોંચે. પરંતુ આ વખતે નકશામાં કોઈ ડોટેડ લાઇન અથવા અલગ નિશાની વગર આખું જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ બતાવવામાં આવ્યો, જેના કારણે પાકિસ્તાન માટે ગંભીર બની ગઇ છે.
ભારતીય પ્રદેશ તરીકે દર્શાવાયું
આ સાથે જ અક્સાઈ ચીન, જે પર ચીન લાંબા સમયથી દાવો કરતું આવ્યું છે, તેને પણ ભારતીય પ્રદેશ તરીકે દર્શાવાયું હતું. આ પગલાને ઘણા વિશ્લેષકો ભારત માટે એક પ્રતીકાત્મક રાજદ્વારી સમર્થન તરીકે જોઈ રહ્યા છે, કારણ કે સરહદ સંબંધિત મુદ્દાઓ પર ભારત લાંબા સમયથી ખોટા ચિત્રણ સામે વાંધો ઉઠાવતું રહ્યું છે.
બંને દેશોએ વચગાળાના ટ્રેડ કરાર માટે ફ્રેમવર્ક કર્યું જાહેર
આ સમગ્ર ઘટના તે સમયે બની જ્યારે બંને દેશોએ વચગાળાના ટ્રેડ કરાર માટે ફ્રેમવર્ક જાહેર કર્યું. આ કરારનો હેતુ દ્વિપક્ષીય વેપાર વધારવો અને ભવિષ્યમાં મોટા દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) માટે રસ્તો તૈયાર કરવો છે. આ ફ્રેમવર્ક હેઠળ અમેરિકા ભારતીય ઉત્પાદનો પર લાગતા કેટલાક ભારે ટેરિફ ઘટાડીને લગભગ 18% સુધી લાવવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે ટેક્સટાઇલ, લેધર, કેમિકલ્સ અને અન્ય ક્ષેત્રોમાં ભારતીય નિકાસકારોને મોટી તક મળી શકે છે.
વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવામાં મદદ
કેટલાક અર્થશાસ્ત્રીઓ અને નીતિ નિષ્ણાતોના મત મુજબ, આ કરાર ભારતને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવામાં મદદ કરશે અને સપ્લાય ચેઇન મજબૂત કરશે, ખાસ કરીને એશિયાના અન્ય દેશો સામે. રાજકીય દ્રષ્ટિએ જોવામાં આવે તો, આ નકશો માત્ર એક ગ્રાફિક ન રહીને એક સંદેશા તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. એક તરફ તે ભારત માટે માનસિક અને રાજદ્વારી રીતે સકારાત્મક સંકેત છે, જ્યારે બીજી તરફ પાકિસ્તાન અને ચીન માટે અસહજતા સર્જે છે. જોકે, આંતરરાષ્ટ્રીય સરહદ સંબંધિત મુદ્દાઓ હજી પણ સંવેદનશીલ છે અને કોઈ એક નકશો અંતિમ રાજદ્વારી નીતિ બદલાઈ ગઈ છે એવું માનવું યોગ્ય નથી.
ભારત-અમેરિકા સંબંધોમાં નવી ગતિ
સમગ્ર રીતે જોવામાં આવે તો, ટ્રેડ કરાર અને નકશા બંને બાબતો સાથે મળી ભારત-અમેરિકા સંબંધોમાં નવી ગતિ જોવા મળી રહી છે. આ વિકાસ ભારત માટે આર્થિક તેમજ પ્રતીકાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, જ્યારે પ્રદેશીય રાજકારણમાં તેની અસર આગળના સમયમાં વધુ સ્પષ્ટ થઈ શકે છે.
આ પણ વાંચો : Islamabad mosque blast : ઇસ્લામાબાદ મસ્જિદ વિસ્ફોટની જવાબદારી ISISએ લીધી