ભારત-અમેરિકા સંબંધોમાં એક મહત્વપૂર્ણ પગથિયું ત્યારે આવ્યું જ્યારે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયો વોશિંગ્ટનમાં મળ્યા. આ બેઠક ભારત-અમેરિકા વેપાર કરાર પર હસ્તાક્ષર પહેલાં યોજાઈ હતી અને બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના હેતુથી અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

ટેકનોલોજી જેવા ક્ષેત્રોનો સમાવેશ

આ બેઠકમાં મુખ્યત્વે વેપાર, ઊર્જા, પરમાણુ સહયોગ, સંરક્ષણ, મહત્વપૂર્ણ અને દુર્લભ ખનિજો તેમજ આધુનિક ટેકનોલોજી જેવા ક્ષેત્રોનો સમાવેશ થયો. ખાસ કરીને દુર્લભ ખનિજોના સંશોધન, ખાણકામ અને તેની પ્રક્રિયા અંગે દ્વિપક્ષીય સહયોગને ઔપચારિક સ્વરૂપ આપવાની ચર્ચા ખૂબ મહત્વની રહી. આજના સમયમાં ઇલેક્ટ્રિક વાહનો, સેમિકન્ડક્ટર અને આધુનિક ટેકનોલોજી માટે દુર્લભ ખનિજો ખૂબ જરૂરી બન્યા છે અને આ ક્ષેત્રમાં સહયોગ ભારત માટે વ્યૂહાત્મક રીતે લાભદાયક છે.

જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ

વિદેશ મંત્રી જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં જણાવ્યું કે બંને દેશોના નેતાઓ સહિયારા હિતોને આગળ વધારવા માટે ટૂંક સમયમાં વિવિધ સ્તરે બેઠકો યોજવા માટે સંમત થયા છે. આથી સ્પષ્ટ થાય છે કે ભારત અને અમેરિકા વચ્ચે સંવાદ અને સહયોગની પ્રક્રિયા વધુ ઝડપ પકડી રહી છે.

 જાહેર કરાયેલા નિવેદન

US સ્ટેટ ડિપાર્ટમેન્ટના મુખ્ય નાયબ પ્રવક્તા ટોમી પિગોટ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે માર્કો રુબિયો અને એસ. જયશંકરે PM નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલા ભારત-અમેરિકા વેપાર કરારનું સ્વાગત કર્યું છે. બંને નેતાઓએ નવી આર્થિક તકો ખોલવા અને ઊર્જા સુરક્ષા જેવા મહત્વપૂર્ણ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે લોકશાહી દેશોએ સાથે મળીને કામ કરવું જરૂરી હોવાનું જણાવ્યું. બેઠક દરમિયાન ક્વાડ (Quad) જેવા બહુપક્ષીય મંચો દ્વારા દ્વિપક્ષીય અને બહુપક્ષીય સહયોગ વધારવાની પ્રતિબદ્ધતા પણ પુનઃપુષ્ટ કરવામાં આવી. બંને પક્ષોએ માન્યતા આપી કે એક સમૃદ્ધ અને સ્થિર ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર ભારત અને અમેરિકા બંનેના હિતમાં છે.

છેલ્લા નવથી દસ મહિનામાં

ઉલ્લેખનીય છે કે છેલ્લા નવથી દસ મહિનામાં ભારત અને અમેરિકા વચ્ચે સંબંધોમાં થોડો તણાવ જોવા મળ્યો હતો. તેનું મુખ્ય કારણ વેપાર વાટાઘાટોમાં મડાગાંઠ અને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફ (કેટલાક ક્ષેત્રોમાં 50 ટકા સુધી) રહ્યા હતા. આ ઉપરાંત, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા પાકિસ્તાનને મહત્વ આપવામાં આવતું હોવાનું લાગતાં ભારતે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. જો કે, તાજેતરમાં મહત્વપૂર્ણ ખનિજોને લગતી અમેરિકાના નેતૃત્વ હેઠળની બેઠકમાં પાકિસ્તાનને આમંત્રણ ન મળવું એ સ્પષ્ટ સંકેત છે કે અમેરિકા ભારતની સંવેદનશીલતાઓને સમજતું છે અને ભારત સાથેની વ્યૂહાત્મક ભાગીદારીને પ્રાથમિકતા આપે છે.

આ પણ વાંચો : Supreme Courtનો મેટા-વોટ્સએપને ઝટકો! ડેટા શેર ન કરવાની એફિડેવિટ દાખલ કરવાનો આદેશ