ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા લગભગ દસ મહિનાથી ટેરિફને લઈને ભારે તણાવ ચાલી રહ્યો હતો. બંને દેશો એકબીજા પર ટેરિફ વધારતા જતા હતા, જેના કારણે વેપાર સંબંધો પર અસર પડી હતી. ક્યારેક વાતચીત આગળ વધતી હતી તો ક્યારેક અટકી જતી હતી.
વ્યક્તિગત સ્તરે મિત્રતા યથાવત
આ સમગ્ર સમયગાળા દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે વ્યક્તિગત સ્તરે મિત્રતા યથાવત રહી. ટ્રમ્પ ઘણી વખત મોદીને “મારા મિત્ર” તરીકે સંબોધતા રહ્યા અને PM મોદીએ પણ ટ્રમ્પને મિત્ર કહ્યા. પરંતુ મિત્રતા હોવા છતાં વેપાર વિવાદ ઉકેલવો સહેલો નહોતો.
ટેરિફ કેવી રીતે 50% સુધી પહોંચ્યો?
એપ્રિલ 2025માં અમેરિકા તરફથી ભારતીય આયાત પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો. બાદમાં, ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે એ કારણસર વધુ 25 ટકા દંડરૂપ ટેરિફ લગાવવામાં આવ્યો. આ રીતે કુલ ટેરિફ 50 ટકા સુધી પહોંચી ગયો, જે ભારત માટે મોટો ઝટકો હતો.
એન્ટ્રી થઈ ‘ડીલ મેકર’ની: સર્જિયો ગોર
12 જાન્યુઆરી, 2026ના રોજ સર્જિયો ગોરે ભારતમાં US એમ્બેસેડર તરીકે કાર્યભાર સંભાળ્યો. પદ સંભાળતાની સાથે જ તેમણે સ્પષ્ટ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે “બધું બરાબર છે” અને વાતચીત સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. તેમની નિમણૂકના બીજા જ દિવસે, એટલે કે 13 જાન્યુઆરીએ, ગોરે સંકેત આપ્યો કે બંને દેશો વચ્ચે વેપાર સોદા અંગે ગંભીર વાટાઘાટો ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં લગભગ સાત રાઉન્ડની બેઠકો થઈ ચૂકી છે અને પરિણામો હકારાત્મક છે.
ટ્રમ્પના વિશ્વાસુ સહાયક
સર્જિયો ગોર અગાઉ વ્હાઇટ હાઉસમાં પ્રેસિડેન્શિયલ પર્સનલ ઓફિસના ડિરેક્ટર રહી ચૂક્યા છે. તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પના ખૂબ નજીકના અને વિશ્વાસુ માનવામાં આવે છે. ટ્રમ્પે તેમને એવા સમયે ભારત માટે જવાબદારી સોંપી, જ્યારે બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો સૌથી વધુ તણાવમાં હતા.
માત્ર 21 દિવસમાં ઐતિહાસિક પરિણામ
સર્જિયો ગોરના કાર્યભાર સંભાળ્યા પછી માત્ર 21 દિવસમાં જ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારની જાહેરાત થઈ. આ કરાર હેઠળ ભારતીય માલ પરનો ટેરિફ 50 ટકા પરથી સીધો ઘટાડીને માત્ર 18 ટકા કરવામાં આવ્યો. આ નિર્ણયને ભારત માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે. વેપાર નિષ્ણાતો માને છે કે આ કરાર બંને દેશો વચ્ચેના વેપારને નવી ગતિ આપશે અને તણાવ ઘટાડશે.
“ભારત સૌથી મહત્વનો ભાગીદાર”
પોતાના પ્રથમ મોટા જાહેર સંબોધનમાં ગોરે કહ્યું હતું કે ભારત જેટલો મહત્વનો ભાગીદાર કોઈ નથી. તેમના જણાવ્યા અનુસાર, ભારત-અમેરિકા સંબંધ આ સદીની સૌથી મહત્વપૂર્ણ વૈશ્વિક ભાગીદારી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે બંને દેશોએ ફક્ત વેપાર જ નહીં, પરંતુ સુરક્ષા, ટેકનોલોજી, ઉર્જા અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં પણ સહયોગ વધારવો જોઈએ.
સોદા બાદ ગોરનું નિવેદન
વેપાર સોદાની જાહેરાત બાદ ગોરે જણાવ્યું કે ભારત-અમેરિકા સંબંધોની સંભાવના અનંત છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ખરેખર વડાપ્રધાન મોદીને પોતાના સાચા મિત્ર માને છે અને આ વ્યક્તિગત વિશ્વાસે જ આટલી ઝડપથી સોદો શક્ય બનાવ્યો.
આ પણ વાંચો : India US trade deal : Trumpની મિત્રતાનો પુરાવો! ભારત પર સૌથી ઓછો ટેરિફ, પડોશી દેશો પાછળ