ભારત અને અમેરિકા વચ્ચે થયેલા અંતરિમ વેપાર કરાર બાદ વૈશ્વિક રાજકારણમાં એક નવો વિવાદ છેડાયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયા પાસેથી ઓઇલ ન ખરીદવાની ખાતરી આપી છે. આ જાહેરાતે ભારતની ઊર્જા નીતિ અને રશિયા સાથેના વર્ષો જૂના સંબંધો પર અનેક સવાલો ઊભા કર્યા છે.
ટ્રમ્પનો દાવો અને ટેરિફનું ગણિત
તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત ભારત પરના 'રેસીપ્રોકલ ટેરિફ' ને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા છે. જોકે, આ રાહતની સાથે એક કડક શરત પણ મૂકવામાં આવી છે. ટ્રમ્પે પોતાની 'ટ્રુથ સોશિયલ' પોસ્ટમાં જણાવ્યું હતું કે, ભારતે હવે રશિયાને બદલે અમેરિકા અને વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદવા સંમતિ આપી છે.
ભારત સરકારનું મૌન અને વ્યૂહાત્મક સ્થિતિ
ભારતીય વિદેશ મંત્રાલય કે કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ટ્રેડ ડીલના ફ્રેમવર્ક વિશે માહિતી આપી હતી, પરંતુ રશિયન તેલના મુદ્દે મૌન સેવ્યું છે. અગાઉ, ભારતે હંમેશા એ પક્ષ રાખ્યો છે કે 1.4 અબજ નાગરિકોની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવી એ ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તે માટે સસ્તું ઓઇલ ખરીદવું જરૂરી છે.
https://truthsocial.com/@realDonaldTrump/116002095109616255
ધમકીભર્યો અંદાજ અને ભવિષ્યનું જોખમ
ટ્રમ્પના ઓર્ડરમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો અમેરિકાના વાણિજ્ય મંત્રીને પુરાવા મળશે કે ભારત હજુ પણ રશિયા પાસેથી સીધું કે આડકતરી રીતે તેલ ખરીદે છે, તો ટેરિફમાં અપાયેલી રાહત પાછી ખેંચી લેવામાં આવશે અને ફરીથી 25 ટકા દંડનાત્મક ટેરિફ ઝીંકી દેવામાં આવશે. આ ઉપરાંત, આગામી 10 વર્ષમાં ભારત રક્ષણ ક્ષેત્રમાં પણ અમેરિકા સાથે સહયોગ વધારશે તેવો દાવો કરાયો છે, જે રશિયા માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે.
રશિયા પાસેથી તેલ ખરીદવાનું સંપૂર્ણપણે બંધ કરે
ફેબ્રુઆરી 2022માં યુક્રેન યુદ્ધ બાદ ભારતે રશિયા પાસેથી મોટા પાયે સસ્તું ઓઇલ આયાત કરવાનું શરૂ કર્યું હતું. જોકે, છેલ્લા કેટલાક સપ્તાહોમાં આ આયાતમાં ઘટાડો નોંધાયો છે. હવે જોવાનું એ રહેશે કે ભારત પોતાની સ્વાયત્ત વિદેશ નીતિ જાળવી રાખે છે કે અમેરિકા સાથેના વેપાર કરારને બચાવવા માટે રશિયા પાસેથી તેલ ખરીદવાનું સંપૂર્ણપણે બંધ કરે છે.
આ પણ વાંચોઃ Epstein Files: જેફ્રી એપસ્ટીન અને ક્રાઉન પ્રિન્સેસ વચ્ચેની ખાનગી વાતચીત લીક, 'સ્વીટહાર્ટ' જેવા શબ્દોનો પ્રયોગ