મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની જ્વાળાઓ હવે સીધી રીતે ભારતીય રસોડા સુધી પહોંચી રહી છે. વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટ વધુ ઘેરું બનતા, ભારતે આશરે આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ઈરાન પાસેથી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) ખરીદવાનો વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. વર્ષ 2018 પછી આ પ્રથમ વખત છે જ્યારે ભારતે પ્રતિબંધો છતાં ઈરાન સાથે આ પ્રકારનો મોટો સોદો કર્યો છે.

LPG માટે બીજા દેશ પર નિર્ભર

ભારત તેની કુલ LPG જરૂરિયાતનો લગભગ બે-તૃતીયાંશ (2/3) ભાગ આયાત પર નિર્ભર છે, જેમાંથી 90% પુરવઠો મધ્ય પૂર્વના દેશોમાંથી આવે છે. હાલમાં મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિને કારણે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં ગંભીર વિક્ષેપ સર્જાયો છે. આ રૂટ વૈશ્વિક તેલ અને ગેસના વેપાર માટે લાઇફલાઇન માનવામાં આવે છે. સપ્લાય ચેઇન ખોરવાવાને કારણે ભારતના અનેક ભાગોમાં ગેસની ભારે અછત જોવા મળી રહી છે, જેના કારણે સામાન્ય જનતાને લાકડા પર રસોઈ બનાવવાની કે સિલિન્ડર માટે લાંબી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડી છે.

43,000 ટન પ્રોપેન અને બ્યુટેનની કરી ખરીદી

આ મહત્ત્વપૂર્ણ ખરીદી રાજ્યની માલિકીની તેલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) દ્વારા કરવામાં આવી છે, જેમાં ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ પણ સહયોગી છે. અહેવાલો મુજબ, ભારતે અંદાજે 43,000 ટન પ્રોપેન અને બ્યુટેન (LPG) ની ખરીદી કરી છે. જોકે આ જથ્થો દેશની માત્ર અડધા દિવસની જરૂરિયાત પૂરી કરી શકે તેમ છે, પરંતુ વર્તમાન કટોકટીમાં તે એક મોટી રાહત સાબિત થશે.

'Sea Bird' જહાજની રસપ્રદ સફર

આ ગેસનું શિપમેન્ટ 'સી બર્ડ' નામના જહાજ દ્વારા લાવવામાં આવી રહ્યું છે. સૌથી રસપ્રદ બાબત એ છે કે આ જહાજ મૂળ ચીન તરફ જઈ રહ્યું હતું, પરંતુ રસ્તામાં જ માર્ગ બદલીને તેને મેંગલોર બંદર તરફ વાળવામાં આવ્યું છે. આ શિપમેન્ટ ગુરુવાર સુધીમાં ભારત પહોંચવાની શક્યતા છે. આ ઉપરાંત, ભારત સરકાર વધુ બે વધારાના શિપમેન્ટ માટે વાટાઘાટો કરી રહી છે, જે ટૂંક સમયમાં ફાઈનલ થઈ શકે છે.

2018 બાદ ખરીદી કરી હતી બંધ

જૂન 2018 માં અમેરિકી પ્રતિબંધો કડક થયા પછી ભારતે ઈરાન પાસેથી ખરીદી બંધ કરી દીધી હતી. પરંતુ વર્તમાન પરિસ્થિતિએ ભારતને તેની ઊર્જા સુરક્ષા વ્યૂહરચનામાં પરિવર્તન કરવા મજબૂર કર્યું છે. નિષ્ણાતોના મતે, આ માત્ર વ્યાપારી લેવડદેવડ નથી, પરંતુ બદલાતા વૈશ્વિક પ્રવાહો વચ્ચે ભારત પોતાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપી રહ્યું છે તેનો પુરાવો છે.

આ પણ વાંચોઃ LPG... ATM થી PAN સુધી, 1 એપ્રિલથી બદલાશે આ નિયમો