કોકપિટમાં અદમ્ય સાહસ અને હિંમત દર્શાવી 174 મુસાફરોના જીવ બચાવવાના કારણે ફ્લાયદુબાઈની ફ્લાઇટ એફઝેડ1073ના પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છર વિશ્વભરમાં ચર્ચામાં આવ્યા છે. આ બહાદુરીની કહાની સાથે હવે તેમના ગુજરાત સાથેના મૂળ અને પરિવારની ઓળખ અંગે પણ રસપ્રદ વિગતો સામે આવી છે. 

સ્મિત મચ્છર મૂળ ગુજરાતના

સ્મિત મચ્છર મૂળ ગુજરાતના વતની છે અને બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ સાથે સંકળાયેલા છે. ભાવનગર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચના પૂર્વ પ્રમુખ યોગેશ રસિકલાલ જગડે સંદેશ ડિજીટલ સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે સ્મિત મચ્છર તેમના જ સમાજના છે. તેમની બહાદુરીને લઈને માત્ર પરિવાર અને સમાજમાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે.

‘મચ્છર’ અટક પાછળ પણ છે રસપ્રદ કહાની

બ્રહ્મક્ષત્રિય સમાજમાં ‘મચ્છર’ એક અટક તરીકે પ્રચલિત હોવાનું યોગેશ જગડે જણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ આ સમાજમાં જગડ, પડિયા, મચ્છર, જાજર અને માકડિયા જેવી વિવિધ અટકો જોવા મળે છે. આ સમાજના લોકો ભાવનગર, રાજકોટ, જેતપુર સહિત ગુજરાતના અન્ય શહેરોમાં પણ વસવાટ કરે છે. સમાજનો પરંપરાગત મુખ્ય વ્યવસાય રંગાટકામ સાથે જોડાયેલો રહ્યો છે.

અગાઉની કોઈ ઓળખના આધારે પણ પેઢીઓ બાદ અટક પ્રચલિત

જ્ઞાતિની અટકો અંગે વાત કરતાં યોગેશ જગડે એક રસપ્રદ બાબત જણાવી હતી. તેમના જણાવ્યા પ્રમાણે દરેક પરિવારની મુખ્ય અટક ઉપરાંત પેટા અટકો પણ હોઈ શકે છે. ઘણી વખત પરિવારના રહેઠાણ, કોઈ વિશેષ ઓળખ કે અગાઉની કોઈ ઓળખના આધારે પણ પેઢીઓ બાદ અટક પ્રચલિત બની જતી હોય છે. એટલે કોઈ પરિવારની પાંચમી, છઠ્ઠી કે દસમી પેઢી સુધી પહોંચતા તેની ઓળખ અથવા અટકમાં પણ પરિવર્તન જોવા મળી શકે છે.


https://twitter.com/sandeshnews/status/2105707550104780827 


મૂળ વઢવાણ, પરિવારનું ભાવનગર સાથે જોડાણ

સ્મિત મચ્છરના મૂળ વતન અંગે પણ મહત્વની માહિતી સામે આવી છે. તેઓ મૂળ વઢવાણના વતની હોવાનું જણાવાયું છે. બીજી તરફ ભાવનગર સાથે પણ તેમના પરિવારનું ખાસ જોડાણ છે. યોગેશ જગડના જણાવ્યા મુજબ સ્મિત મચ્છરના પિતા ઉપેન્દ્રભાઈ ભાવનગરના ભાણેજ છે અને તેઓ ઘણા વર્ષોથી મુંબઈમાં રહે છે.

મુંબઈ સુધી પરિવારની સફર

આ રીતે સ્મિત મચ્છરના પરિવારના મૂળ ગુજરાતના અલગ-અલગ શહેરો સાથે જોડાયેલા છે. વઢવાણથી લઈને ભાવનગર અને ત્યારબાદ મુંબઈ સુધી પરિવારની સફર જોવા મળે છે. જોકે તેમની ઓળખ આજે માત્ર પરિવાર કે સમાજ પૂરતી સીમિત રહી નથી, પરંતુ કોકપિટમાં દર્શાવેલી હિંમતના કારણે તેઓ દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

પરિવારમાં પાયલોટ બનવાની પરંપરા

સ્મિત મચ્છરના પરિવાર સાથે જોડાયેલી વધુ એક રસપ્રદ માહિતી પણ સામે આવી છે. તેમના કાકા કિશોરભાઈના ભાઈ પણ પાયલોટ હોવાનું જણાવાયું છે. એટલે વિમાન ઉડાવવાની જવાબદારી અને ઉડ્ડયન ક્ષેત્ર સાથે પરિવારનું જોડાણ પહેલેથી જ રહ્યું હોવાનું આ વિગતો પરથી સામે આવે છે. સ્મિત મચ્છર પોતે પણ ઉડ્ડયન ક્ષેત્રમાં આગળ વધ્યા અને પાયલોટ તરીકે પોતાની કારકિર્દી બનાવી. ફ્લાઇટ એફઝેડ1073ની ઘટનામાં તેમણે જે રીતે કોકપિટમાં પોતાની ફરજ નિભાવ્યાની વિગતો સામે આવી છે, તેના કારણે તેમની વ્યાવસાયિક કારકિર્દી સાથે તેમની હિંમતની કહાની પણ જોડાઈ ગઈ છે.

174 મુસાફરોની સુરક્ષા વચ્ચે દેખાડી હિંમત

ફ્લાયદુબાઈની ફ્લાઇટ એફઝેડ1073 સાથે બનેલી ઘટનામાં કોકપિટમાં સ્મિત મચ્છરે દર્શાવેલી હિંમતની ચર્ચા થઈ રહી છે. 174 મુસાફરોની સુરક્ષા સાથે જોડાયેલી આ ઘટના દરમિયાન તેમણે અદમ્ય સાહસ દર્શાવ્યું હતું. આવી પરિસ્થિતિમાં કોકપિટમાં રહેલા પાયલોટની નિર્ણયક્ષમતા, તાલીમ અને માનસિક મજબૂતી મહત્વની બને છે. આ ઘટનાએ સ્મિત મચ્છરને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં લાવ્યા છે. ગુજરાત માટે પણ આ વાત ખાસ એટલા માટે બની છે કે વિશ્વભરમાં ચર્ચામાં આવેલા આ પાયલોટના મૂળ ગુજરાત સાથે જોડાયેલા છે.

સમગ્ર ભારતનું નામ રોશન કર્યું’

ભાવનગર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચના પૂર્વ પ્રમુખ યોગેશ જગડે જણાવ્યું હતું કે સ્મિત મચ્છરે દર્શાવેલી બહાદુરીથી માત્ર બ્રહ્મક્ષત્રિય સમાજનું જ નહીં, પરંતુ સમગ્ર ભારતનું નામ રોશન થયું છે. તેમના મતે આ દરેક ભારતીય માટે ગૌરવની બાબત છે. સમાજ તરફથી સ્મિત મચ્છર ઝડપથી સંપૂર્ણ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે. એક તરફ કોકપિટમાં દર્શાવેલી હિંમતની ચર્ચા છે, તો બીજી તરફ તેમની પાછળ ઊભેલા પરિવાર અને સમાજની લાગણી પણ એટલી જ મહત્વની બની છે. વઢવાણના મૂળ, ભાવનગર સાથે પરિવારનું જોડાણ, મુંબઈમાં વસવાટ અને બ્રહ્મક્ષત્રિય સમાજની ‘મચ્છર’ અટક—આ બધી કડીઓ હવે કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની કહાની સાથે જોડાઈ છે. 


આ પણ વાંચો   :    Flydubaiના કેપ્ટન સ્મિત મચ્છરનો જૂનો વીડિયો ફરી ચર્ચામાં, 1 વર્ષ જૂનો વીડિયો ફરી કેમ વાયરલ? Video