અમેરિકાએ ઈરાનના રણનીતિક ચાબહાર પોર્ટ પર 2018માં પ્રતિબંધોમાં આપેલી છૂટને રદ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય 29 સપ્ટેમ્બર 2025થી લાગુ થશે અને તેને વોશિંગ્ટનની 'મેક્સિમમ પ્રેશર' અભિયાનની રણનીતિનો ભાગ ગણાવવામાં આવ્યો છે. આ છૂટ ભારત અને અન્ય દેશોને ચાબહાર પોર્ટ પર કામ કરવાની પરવાનગી આપતી હતી. જો કે હવે તેને હટાવવાથી ભારતની રણનીતિક અને આર્થિક યોજનાઓ પર મોટી અસર પડી શકે છે.
મે 2024માં ભારતે ઈરાનની સાથે 10 વર્ષનો કરાર કર્યો હતો
ભારતે મે 2024માં ઈરાનની સાથે 10 વર્ષનો કરાર કર્યો હતો. જેની હેઠળ ભારતીય પોર્ટસ ગ્લોબલ લિમિટેડે શાહિદ બેહેશ્તી ટર્મિનલનું સંચાલન પોતાના હાથમાં લીધું હતું. આ પ્રથમવાર હતું, જ્યારે ભારતે કોઈ વિદેશી પોર્ટનું મેનેજમેન્ટ સંભાળ્યું હોય. આ પહેલા 2016નો કરાર દર વર્ષે રિન્યુ કરવામાં આવી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે ચાબહાર પોર્ટ ભારત માટે ખુબ જ ખાસ છે, કારણ કે આ પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી સીધો માર્ગ ઉપલબ્ધ કરાવે છે. ભારતે 2003માં આ પ્રોજેક્ટનો પ્રસ્તાવ મુક્યો હતો, જેથી આંતરરાષ્ટ્રીય નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર દ્વારા કનેક્ટિવિટીને મજબૂત કરવામાં આવી શકાય.













