રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 18મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે ભારતની રાજધાની દિલ્હી પહોંચી ગયા છે. દિલ્હીના પાલમ એરફોર્સ સ્ટેશન પર તેમનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે એરપોર્ટ પર ઉપસ્થિત રહીને રશિયન રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત ભારત અને રશિયા વચ્ચેના દાયકાઓ જૂના, ગાઢ અને વિશેષ વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે.

દ્વિપક્ષીય બેઠકના મુખ્ય એજન્ડા

આ પ્રવાસ દરમિયાન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજાવાની છે. આ બેઠકમાં બંને નેતાઓ વચ્ચે વ્યૂહાત્મક, સંરક્ષણ અને આર્થિક સહયોગને વધુ ગાઢ બનાવવા પર ચર્ચા થશે. આ ઉપરાંત, આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈ, અવકાશ સંશોધન, ડ્રગ્સની હેરાફેરી રોકવા અને આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર જેવા મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં રહેશે. આ વ્યાપક વાટાઘાટો મુખ્યત્વે ત્રણ મહત્વના મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે.
https://twitter.com/MEAIndia/status/2098181252503466333

ચર્ચાના ત્રણ મુખ્ય કેન્દ્રો

સૌપ્રથમ, સંરક્ષણ ક્ષેત્રમાં મોટા સોદા થવાની સંભાવના છે, જેમાં ૫૫ થી વધુ પાંચમી પેઢીના ફાઈટર જેટ્સ માટેની 'સુખોઈ-૫૭' ડીલ, એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની સમયસર ડિલિવરી અને પરમાણુ સબમરીન સહયોગની સમીક્ષા મુખ્ય છે. બીજું, ક્રૂડ ઓઈલના પુરવઠાને સુરક્ષિત કરવા માટે રશિયા સાથે લાંબા ગાળાના સોદા પર વિચારણા થઈ રહી છે. ભારતે અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની રાષ્ટ્રીય અને ઉર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ તેલની આયાત કરવાનું ચાલુ રાખશે. ત્રીજો અને સૌથી મોટો મુદ્દો સ્થાનિક ચલણ વેપારનો છે. બંને દેશો અમેરિકી ડૉલર પરની નિર્ભરતા ઘટાડીને ભારતીય રૂપિયા અને રશિયન રૂબલમાં વેપારી વ્યવહારોને પ્રોત્સાહન આપવા પર ગંભીર મંથન કરી રહ્યા છે.
https://twitter.com/ramprasad_c/status/2098204426141835601

પુતિનનો કાર્યક્રમ શેડ્યૂલ

બ્રિક્સ સમિટના મુખ્ય સત્ર પહેલાં, પુતિન વાર્ષિક બ્રિક્સ બિઝનેસ ફોરમના પૂર્ણ સત્રને પણ સંબોધિત કરશે. આ ઉપરાંત, પીએમ મોદી સાથે મળીને તેઓ ભારત અને રશિયાના ઉદ્યોગ મંત્રાલયો દ્વારા આયોજિત 'INNOPROM' પ્રદર્શનની મુલાકાત લેશે. સુરક્ષાની દ્રષ્ટિએ, દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલી હોટેલ અને સમગ્ર રૂટ પર કડક તેમજ બહુ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

વૈશ્વિક રાજનીતિ પર પ્રભાવ

આ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ સહિત વિશ્વભરના દિગ્ગજ નેતાઓ હાજરી આપી રહ્યા છે. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિનની આ ઘનિષ્ઠ મિત્રતા અને વ્યૂહાત્મક ભાગીદારી 'દિલ્હી ઘોષણાપત્ર' દ્વારા વૈશ્વિક રાજનીતિ અને અર્થવ્યવસ્થાને એક નવી દિશા પ્રદાન કરશે.

આ પણ વાંચોઃ Chabahar Port VS Strait Hormuz: શું છે ચાબહાર, જેના પર ઈરાનનું છે નિયંત્રણ અને તે હોર્મુઝ સ્ટ્રેટથી કેટલું છે અલગ?, જાણો