અમેરિકાના એક રિપોર્ટમાં ભારતની સુરક્ષાને લઈને મોટો ખુલાસો થયો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતનો મુકાબલો કરવા માટે પાકિસ્તાનને ચીન તરફથી સતત સમર્થન મળી રહ્યું છે.

બીજી તરફ ભારત અને ચીન વચ્ચે હજુ પણ અવિશ્વાસની સ્થિતિ યથાવત છે. પાકિસ્તાન સાથે ચીનની વધતી સૈન્ય ભાગીદારીને કારણે ભારત સામે બે મોરચે યુદ્ધ એટલે કે 'ટુ-ફ્રન્ટ વોર'નું જોખમ વધી રહ્યું છે. આ સ્થિતિ ભારત માટે ચિંતાનો વિષય બની છે.

પાકિસ્તાનને ચીનનો સૈન્ય સહયોગ, ભારતની ચિંતા વધી

પાકિસ્તાન અને ચીન વચ્ચે સતત મજબૂત બની રહેલી સૈન્ય ભાગીદારી ભારત માટે મોટો પડકાર બની રહી છે. અમેરિકાના રિપોર્ટ અનુસાર, ચીન ભારતની વધતી તાકાતને પોતાના માટે પડકાર માને છે અને તેને મર્યાદિત કરવા માટે સૈન્ય, આર્થિક, દરિયાઈ સહિત વિવિધ સ્તરે દબાણ ઊભું કરી રહ્યું છે.

આ સ્થિતિમાં પાકિસ્તાનને ચીનનો સહયોગ મળવાથી ભારતની સુરક્ષા સામે બે મોરચે પડકાર ઊભો થઈ શકે છે. જો ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થાય તો ચીન પાકિસ્તાનની મદદે આવી શકે છે.

ઓપરેશન સિંદૂરે ચીનની રણનીતિનો સંકેત આપ્યો

મે 2025માં થયેલા ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન ઓપરેશન સિંદૂરે એક મહત્વપૂર્ણ બાબત સામે લાવી હતી. આ ઘટનાએ દર્શાવ્યું હતું કે ચીન સીધા યુદ્ધમાં સામેલ થયા વિના પણ સંકટના સમયે પાકિસ્તાનને મદદ પહોંચાડી શકે છે.

આ કારણે ભારતની એ ચિંતા વધી છે કે ભવિષ્યમાં પાકિસ્તાન સાથે કોઈ મોટો સંઘર્ષ થાય તો ચીન તેને પરોક્ષ રીતે સૈન્ય અને અન્ય પ્રકારનો સહયોગ આપી શકે છે. આ સ્થિતિ ભારત માટે વ્યૂહાત્મક પડકાર બની શકે છે.

ભારતની વધતી તાકાતને ચીન પડકાર માને છે

અમેરિકાના રિપોર્ટ અનુસાર, ભારત વિશ્વના એવા પસંદગીના દેશોમાં સામેલ છે, જેની પાસે મોટી વસ્તી, મજબૂત અર્થતંત્ર, સૈન્ય ક્ષમતા અને ભૌગોલિક સ્થિતિ જેવી મહત્વપૂર્ણ શક્તિઓ છે.

આ તમામ બાબતો ચીનની તાકાત અને પ્રાદેશિક પ્રભાવને અસર કરી શકે છે. ચીન ભારતના વિકાસને પોતાના માટે એક પડકાર તરીકે જુએ છે. તેથી ભારત પર સૈન્ય, આર્થિક અને દરિયાઈ ક્ષેત્રે દબાણ બનાવવાની તેની રણનીતિ હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

ગલવાન ઘર્ષણ બાદ ભારત-ચીનના સંબંધોમાં તણાવ

ભારત અને ચીન વચ્ચેની સ્પર્ધા પાછળ બંને દેશોના પોતાના વ્યૂહાત્મક હિતો છે. જોકે, બંને દેશો વચ્ચેના સંબંધોમાં સરહદ વિવાદ સૌથી મોટો તણાવનો મુદ્દો રહ્યો છે. વર્ષ 2020માં ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ બંને દેશોના સંબંધો માટે મોટો વળાંક સાબિત થઈ હતી. ત્યારબાદ ભારતે સ્પષ્ટ કર્યું હતું કે સરહદ પરના વિવાદને બંને દેશોના વ્યાપક સંબંધોથી અલગ રાખી શકાય નહીં.

ભારતનું માનવું છે કે બંને દેશો વચ્ચે સામાન્ય સંબંધો પુનઃસ્થાપિત કરવા માટે સરહદ પર શાંતિ જાળવવી અનિવાર્ય છે.

સરહદ વિવાદ ઉકેલવા ભારત-ચીનના પ્રયાસો

વર્ષ 2020ની ગલવાન અથડામણના ચાર વર્ષ બાદ એટલે કે 2024ના અંતથી ભારત અને ચીને ધીમે ધીમે સંબંધો ફરી સામાન્ય બનાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ માટે બંને દેશો વચ્ચે અનેક સ્તરે બેઠકો અને ચર્ચાઓ પણ થઈ હતી. બંને પક્ષોએ સરહદ વિવાદ ઉકેલવા અને શાંતિ જાળવવા માટે પ્રયાસો કર્યા છે.

જોકે, આ પ્રયાસો છતાં બંને દેશો વચ્ચે અવિશ્વાસની સ્થિતિ સંપૂર્ણપણે દૂર થઈ નથી. ભારતનું સ્પષ્ટ વલણ છે કે સરહદ પર શાંતિ અને સ્થિરતા વિના બંને દેશો વચ્ચે સંપૂર્ણ સામાન્ય સંબંધો શક્ય નથી.

આ પણ વાંચો:Sabarimala Temple: સબરીમાલા મંદિરમાં દર્શનના નામે મોટું કૌભાંડ? ઓનલાઈન બુકિંગ ફુલ, છતાં મંદિરમાં ભક્તોની ભારે અછત